Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મોરબીમાં ખૂન કરી ભાગેલા નેપાળી શખ્સે રાજકોટમાં કોળી યુવાનની હત્યાનો પ્રયાસ કરી લૂંટઃ બે સકંજામાં

'હું અજય નેપાળી, મોરબીમાં ખૂન કરીને ભાગ્યો છું, લાવ પૈસા' કહી બે સાગ્રીતો સાથે મળી પેટમાં છરીના ઘા ઝીંકી દીધાઃ બેડીપરા શ્રમજીવીમાં રહેતો પ્રતિક ખસીયા (કોળી) (ઉ.૨૭) રિક્ષા લઇને નીકળ્યો ત્યારે લૂંટી લઇ હુમલોઃ બે શકંમદને થોરાળા પોલીસે સકંજામાં લીધા, એકને મોરબી પોલીસ લઇ ગઇ

રાજકોટ તા. ૧૮: મોરબીના યોગીનગરમાં એક યુવાનની હત્યા કરીને ભાગેલા નેપાળી શખ્સે બે સાગ્રીતો સાથે મળી રાજકોટના ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે રિક્ષાચાલક કોળી યુવાનને અટકાવી 'હું મોરબીમાં ખૂન કરીને ભાગ્યો છું, લાવ પૈસા' કહી પેટમાં છરીના બે ઘા ભોંકી દઇ હત્યાનો પ્રયાસ કરી રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. કોળી યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. એક શખ્સને મોરબી એલસીબીએ અને એકને રાજકોટ થોરાળા પોલીસે સકંજામાં લઇ લીધો છે.

બનાવ અંગે થોરાળા પોલીસે ગંભીર ઇજાગ્રસ્ત પ્રતિક ભરતભાઇ ખસીયા (તળપદા કોળી) (ઉ. ૨૭-રહે. બેડીપરા શ્રમજીવી સોસાયટી-૩)ના મોટા ભાઇ સંજય ભરતભાઇ ખસીયા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી અજય નેપાળી, ભોલો અને સતિષ સામે આઇપીસી ૩૦૭, ૩૯૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. સંજયભાઇના કહેવા મુજબ તેનો નાનો ભાઇ પ્રતિક રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવે છે. રવિવારે પોતે ઘરે હતો ત્યારે જંગલેશ્વરના યુસુફભાઇ રિક્ષાવાળાએ આવીને જાણ કરી હતી કે પ્રતિકને ઘર નજીક જ ભાવનગર રોડના ઢાળ પાસે કોઇએ છરી મારી દીધી છે અને તે રોડ પર પડ્યો છે. આથી પોતે ત્યાં દોડી ગયો હતો અને ૧૦૮ બોલાવી હતી.

હોસ્પિટલે જતી વખતે રસ્તામાં પ્રતિકને કોણે હુમલો કર્યો? તે અંગે પુછાતાં તેણે કહ્યું હતું કે પોતે અને યુસુફભાઇ સિમેન્ટની ગુણીઓ ભરવા રિક્ષા લઇને નીકળ્યા ત્યારે ઘર નજીક ઢાળ પાસે ત્રણ જણાએ રિક્ષા અટકાવી ખિસ્સામાં જેટલા પૈસા હોય એટલા આપી દેવા કહ્યું હતું. તેણે પૈસાની ના પા પાડતાં ગાળો દીધી હતી અને એક શખ્સે છરી કાઢી કહલે કે 'તું મને ઓળખતો નથી, હું અજય નેપાળી છું અને મોરબીથી ખૂન કરીને આવ્યો છું, પૈસા આપી દે નહિતર તને પણ મારી નાંખીશ' તેમ કહેતાં પ્રતિકે પોતાની પાસે પૈસા નથી તેમ કહેતાં અજયએ ભોલા, સતિષ આને પકડો તેમ કહેતાં આ બંનેએ તેને પકડી લીધો હતો અને અજય નેપાળીએ ખિસ્સામાંથી રોકડા રૂ. ૫૦૦ અને બે મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. પ્રતિકે બૂમાબૂમ કરતાં અજયએ છરીના બે ઘા નાભી પાસે મારી દીધા હતાં.

ઉપરોકત વાત પ્રતિકે ૧૦૮માં તેના ભાઇ સંજયભાઇને જણાવી હોઇ તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. થોરાળા પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ ચોૈધરી, એએસઆઇ ધીરૂભાઇ ડાંગર, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, અજીતભાઇ, ભરતસિંહ સહિતના સ્ટાફે ગુનો નોંધી એક શખ્સને દબોચી લીધો છે. બીજી તરફ મોરબી એલસીબીએ પણ રાજકોટ પોલીસને સાથે રાખી એક આરોપીને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

અજય નેપાળીએ મોરબી યોગીનગરમાં અજાણ્યા યુવાનની હત્યા કર્યાનું ખુલ્યું હોઇ મોરબી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં જેની હત્યાનો પ્રયાસ થયો તે પ્રતિક બે ભાઇ અને એકમાં નાનો છે. તેના પત્નિનું નામ નિલમ છે. પિતા હયાત નથી. માતાનું નામ મંજુલાબેન છે. થોરાળા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(11:43 am IST)