Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પ્રેમમાં નિષ્ફળતા મળતાં શાપરની ત્યકતા હેતલ અને વાંકાનેરના પરિણીત આફતાબે ફિનાઇલ પીધા બાદ જાત જલાવીઃ ગંભીર

ત્યકતા દલિત યુવતિ અને શાપરમાં મટન વેંચતા વાંકાનેરના ત્રણ સંતાનના પિતા મુસ્લિમ યુવાન વચ્ચે કેટલાક સમયથી પ્રેમસંબંધ હતોઃ હેતલ ગઇકાલે બપોરે કારખાને કામે જવાનું કહીને નીકળીઃ સાંજે માતાએ ફોન કર્યો તો કહ્યું-અમારે જે કરવાનું હતું એ કરી લીધું છે!

ગંભીર રીતે દાઝેલા આફતાબ ખોખર અને હેતલ વાઘેલા સારવાર હેઠળ છે. છેલ્લે હેતલનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: ધોરાજીના યુવાન સાથે છુટાછેડા લીધા બાદ શાપર વેરાવળમાં માતા-પિતા સાથે રહેતી દલિત ત્યકતા અને શાપરમાં મટનનો ધંધો કરતાં વાંકાનેરના ત્રણ સંતાનના પિતા એવા મુસ્લિમ યુવાને રવિવારે વાંકાનેર આરોગ્યનગરમાં પહેલા ફિનાઇલ-એસિડ પીધા બાદ જાત જલાવી લેતાં બંને ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ત્યકતા યુવતિને અને પરિણીત યુવાનને પ્રેમ થઇ ગયો હતો. પરંતુ બંને એક નહિ થઇ શકે તેમ લાગતાં આ પગલું ભરી લીધું હતું. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શાપર વેરાવળ બુધ્ધનગરમાં રહેતી હેતલ પ્રવિણભાઇ વાઘેલા (ઉ.૨૮) અને વાંકાનેર આરોગ્યનગર-૫માં રહેતો આફતાબ રસુલભાઇ ખોખર (ઉ.૩૦) રવિવારે સાંજે આઠેક વાગ્યે વાંકાનેર આફતાબના ઘરે હતાં ત્યારે બંનેએ ફિનાઇલ-એસિડ પીધા બાદ રૂમ બંધ કરી પોતાના શરીરે કેરોસીન રેડી સજોડે અગ્નિસ્નાન કરી લેતાં બંને ગંભીર રીતે દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બંનેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

આફતાબ ચાર ભાઇમાં બીજો છે અને તેના પત્નિનું નામ મેરૂનબેન છે. તેને સંતાનમાં  ૭ અને ૬ વર્ષની બે પુત્રી તથા પાંચ વર્ષનો  પુત્ર છે. આફતાબ કેટલાક સમયથી શાપર વેરાવળમાં મટનનો ધંધો કરતો હતો. જ્યારે હેતલના લગ્ન ધોરાજીના યુવાન સાથે તેની જ્ઞાતિમાં જ થયા હતાં. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માતા રેખાબેન પ્રવિણભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે હેતલને પતિ હેરાન કરતો હોઇ જેથી તેણીના થોડા મહિના પહેલા જ છુટાછેડા થયા હતાં. તેના સંતાનો ધોરાજી છે. હાલમાં હેતલ અમારી સાથે જ શાપર રહેતી હતી અને કારખાનામાં કામે જતી હતી. ગઇકાલે બપોરે દોઢ-બે વાગ્યે તે કામે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. સાંજ સુધી ઘરે ન આવતાં મેં તેને ફોન જોડતાં તેણીએ 'અમારે જે કરવાનું હતું એ કરી લીધું છે, અમે ફિનાઇલ પી લીધું છે' તેવી વાત કરી હતી. થોડીવાર પછી તે અને આફતાબ વાંકાનેરમાં દાઝી ગયાની અને બંનેને રાજકોટ લાવ્યાની ખબર પડતાં અમે રાજકોટ આવ્યા હતાં.

રેખાબેને એમ પણ જણાવ્યું હતું કે હેતલને શાપરમાં મટન વેંચતા વાંકાનેરના આફતાબ સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ તે ત્રણ સંતાનો પિતા હોઇ બંને એક થઇ શકે તેમ ન હોવાથી આ પગલું ભર્યાનું સમજાય છે. આફતાબની પત્નિ મેરૂન પણ ગઇકાલે જ ઝઘડો થતાં વાંકાનેરમાં જ તેના માવતરે જતી રહી તી. એ પછી આફતાબ અને હેતલ શાપરથી આફતાબના વાંકાનેર ખાતેના ઘરે પહોંચ્યા હતાં અને પહેલા ફિનાઇલ-એસિડ પીધા બાદ જાત જલાવી લીધી હતી. વાંકાનેરના પીએસઆઇ પી.સી. મોલીયા  અને રાઇટર નારણભાઇએ રાજકોટ આવી આફતાબ અને હેતલના વાલીઓના નિવેદન નોંધવા તજવીજ કરી હતી તેમજ આ બંનેની પાસે પણ માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. બંનેની હાલત ગંભીર છે. આફતાબ ચાર ભાઇમાં બીજો છે. તેના પિતા રિક્ષા ચાલક છે અને માતા હયાત નથી.

(11:39 am IST)