Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વોર્ડ નં.૭માં પોશ વિસ્તાર રામકૃષ્ણનગરમાં પાણી ચોરી કરતા ત્રણને છ હજારનો દંડ

એક જ વોર્ડમાં સતત ચોથા દિવસે પાણી ચોરી ઝડપાઇ

રાજકોટ, તા.૧૩: મ્યુ.કોર્પોરેશન દ્વારા પોશ વિસ્તારોમાંથી પાણી ચોરી ઝડપી લેવા ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે જે અંતર્ગત વોર્ડ નં.૭માં સતત ચોથા દિવસે પાણી ચોરી ઝડપી લેવાઇ છે અને રામકૃષ્ણનગરમાંથી પાણીચોરી કરનારા ત્રણ ઘરધણીને છ હજારનો દંડ ફટકારાયો છે.

આ અંગે વોટર વર્કસ વિભાગની સતાવાર યાદી મુજબ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં ૧૨-૦૪-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૭ની ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૦૩ આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૬,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેકટ પમ્પિંગ કરનાર વિમળાબેન તેરૈયા, રામકૃષ્ણનગર-૫,  હરપાલસિંહ, શિવાલીક, રામકૃષ્ણનગર, પ્રફુલાબેન રાવલ, શિવાલીક, રામકૃષ્ણનગર વિગેરેનો સમાવેશ થાય છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૭ માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

(3:57 pm IST)