Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મહાવીર જન્મ કલ્યાણકે તા.૧૭ને બુધવારના રોજ

જાગનાથ દેરાસરે સાંજે ભવ્ય મહાપૂજા તથા દિવ્ય આંગી

રાજકોટ,તા.૧૩: શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) સંચાલિત શ્રી મહાવીર સ્વામી જિનાલય (જાગનાથ જિનાલય)માં તા.૧૭ના રોજ વીર પ્રભુજી મહાવીર સ્વામીના જન્મકલ્યાણક પ્રસંગે શ્રી જાગનાથ જિનાલયમાં બિરાજમાન મૂળનાયક શ્રી મહાવીર સ્વામીને ભવ્યાતિ ભવ્ય અંગરચના હીરા, મોતી, સોના, રૂપાની ભવ્ય આંગી રચાશે.

આ ઉપરાંત નવનિર્મિત જિનાલયને ભવ્ય દિવ્યમાન રોશનીનો શણગાર દેવવિમાનની અનુમતિ કરાવતું જાજરમાન મનમોહક સુશોભન કરાશે. જિનાલયના રંગ મંડપને સુગંધી પુષ્પો દ્વારા અદ્ભુત રીતે ડેકોરેટ કરવામાં આવશે. જિનાલયના રંગ મંડપમાં વીરપ્રભુના દ્રશ્યની રજુઆત ભવ્ય રંગોળી દ્વારા કરવામાં આવશે. લગભગ ૩૦ થી ૩૫ લાખના ખર્ચે બનેલ મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનને હીરા, મોતી, માણેક, પન્નાના જડતરની ભવ્ય અંગરચનાના દર્શન કરાવવામાં આવશે.

સાંધ્યાકાળે સંગીતના સથવારે ભકિતમય વાતાવરણમાં વીરપ્રભુને તથા શ્રી આદેશ્વરદાદા તથા શ્રી મણીભદ્રવીરની ભવ્ય આરતીનું આયોજન કરાયુ છે. જેમાં જૈન ભકિતકારો સર્વશ્રી શૈલેષભાઈ વ્યાસ, ધર્મેશભાઈ દોશી તથા ભવ્ય દોશી દ્વારા જૈન સ્તવનોની રમઝટમાં ભાવિકોને ભકિતરસમાં તરબોળ કરશે. સાંજના ૭:૩૦ થી રાત્રીના ૧૧:૩૦ ભકિત સંગીતનો કાર્યક્રમ રહેશે.

જાગનાથ જિનાલયની ભવ્યાતિભવ્ય મહાપુજાને પોતાના આર્શિવર્ચન તથા માંગલીક ફરમાવશે. પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મ.સા.આ પ્રસંગે રાજકોટમાં બિરાજમાન સર્વે સાધુ- સાધ્વીજી ભગવંતો દર્શનાથે પધારશે. મહાપુજાના મુખ્ય લાભાર્થી સ્વ.અમૃતબેન ગુલાબચંદ લોદરીયા- હ.શ્રી રાજેન્દ્રભાઈ ગુલાબચંદ લોદરીયા પરિવારે લીધેલ છે. જિનાલયમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી- શ્રી આદેશ્વર ભગવાન તેમજ અન્ય જિનબિંલોને પણ ભવ્યાતિભવ્ય આંગી રચના કરવામાં આવશે.

મહાપુજામાં જાગનાથ જિનાલયના સહકન્વીનર શિતલભાઈ દોશી, ટ્રસ્ટીશ્રી જયંતભાઈ મહેતા, મુકેશભાઈ દોશી, જયેશભાઈ દોશી, શશીકાંતભાઈ વાઘર, કારોબારી સભ્યોશ્રી કમલેશભાઈ લાઠીયા, રાજુભાઈ લોદરીયા, દિલીપભાઈ પારેખ, કેવિન દોશી, શ્રેણીક દોશી, ભરતભાઈ મહેતા સર્વેએ મહાપુજા તથા આંગીની જવાબદારી સંભાળી તૈયારીઓ કરી રહ્યા છે.

આ મહાપુજા તથા આંગી દર્શન તા.૧૭ને બુધવારે શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત શ્રી જાગનાથ જિનાલયમાં સાંજના ૬ થી રાત્રીના ૧૨ સુધી યોજવામાં આવેલ છે.

દરેક જૈન- જૈનેતરોને વીરપ્રભુના દર્શને સહપરિવાર- મિત્રમંડળ સાથે પધારી પોતાના જીવનને ધન્ય બનાવવા તેમજ ભકિતરસ માણવા- પ્રભુભકિત કરવા પધારવા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળા તેમજ શ્રી જાગનાથ જિનાલયના કન્વીનર તરૂણભાઈ કોઠારી, શ્રી દાદાવાડી સંઘના, ઉપપ્રમુખશ્રી પંકજભાઈ કોઠારી, સહકન્વીનરશ્રી શિતલભાઈ દોશી તથા ટ્રસ્ટી શ્રી જયંતભાઈ મહેતા આંગીના દર્શને પધારવા અપીલ કરી છે.

(3:43 pm IST)