Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગાંધી વિચારોને ગુંજતા કરવા 'સ્નેહ - શાંતિ - સંવાદ પદયાત્રા' : ગુરૂવારે પોરબંદરથી પ્રારંભ

ગામો ગામ ફરી ૯ જાન્યુઆરીએ દાંડીમાં સમાપન : રૂટ દરમિયાન ઠેરઠેર સભા, નાટક સહીતના કાર્યક્રમો : ૨૦ પદયાત્રીઓ ખાદીના એપ્રન ધારણ કરી પદયાત્રામાં જોડાશે : દિલ્હીથી જીનીવા સુધીની આંતરરાષ્ટ્રીય પદયાત્રાને સમર્થન

રાજકોટ તા. ૧૨ : ગાંધીજીના વિચારો વહેતા કરવાના હેતુથી આગામી તા. ૧૪ નવેમ્બરથી તા. ૯ જાન્યુઆરી સુધી 'સ્નેહ-શાંતિ-સંવાદ' પદયાત્રા વિશ્વગ્રામ દ્વારા યોજવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પદયાત્રીઓએ જણાવેલ કે આ પદયાત્રાનો તા. ૧૪ ના પોરબંદરથી પ્રારંભ થશે. ઉપલેટા, ધોરાજી, રાજકોટ, સુરેન્દ્રનગર, કલોલ, અમદાવાદ, વડોદરા, ભરૂચ સહીતના સ્થળોએ ફરીને તા. ૯ જાન્યુઆરીના દાંડી ખાતે વિરામ પામશે. ૫૭ દિવસમાં ૯૦૦ કિ.મી.ની પદયાત્રા થશે.

જેમાં રાજકોટના નમ્રતા-કેતન, લોપા-મુદ્રા સહીતન અન્ય શહેરના મળી ૨૦ પદયાત્રીઓ સામેલ છે. જેઓ ખાદીનો એપ્રોન પહેરી આ પદયાત્રામાં જોડાશે. દરેકના એપ્રોન પર 'પાર્થને કહો ઉતારે બાણ હવે તો બુધ્ધ એજ કલ્યાણ', 'યુધ્ધ કે બુધ્ધ', 'મજબુતી કા નામ મહાત્મા ગાંધી' જેવા સુત્રો લખેલા હશે.

નિયત રૂટ પર જયાં જયાં મુકામ આવે ત્યાં ગ્રામસભા, શાળા કોલેજોમાં કાર્યક્રમો કરી ગાંધી વિચાર વહેતા કરાશે. 'આવો લકી રે મીટાદે' નાટક પણ રજુ કરાશે. મોટા વકતાઓના વકતવ્યો પણ ગોઠવવામાં આવ્યા છે.

તા.૧૫ ના સવારે ૯ વાગ્યે આ પદયાત્રાને પોરબંદરના કિર્તી મંદિર ખાતેથી ે સાહિત્યકાર નરોતમભાઇ પલાણના હસ્તે લીલીઝંડી આપી વિધિવત પ્રસ્થાન કરાવાશે. 

અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હીથી જીનિવા સુધીની એક વિશાળ આંતરરાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન થયુ છે. જે ૧ વર્ષમાં ૧૧ દેશોમાં ફરશે. આ વિશ્વવ્યાપી પદયાત્રાના સમર્થનમાં પોરબંદરથી દાંડી સુધીની પદયાત્રા યોજાઇ રહી છે. લોકોએ સામેલ થવા અને વધુ માહીતી માટે કેતનભાઇ (મો.૯૯૨૪૦ ૩૫૨૩૭) અથવા તુલા-સંજય વિશ્વગ્રામ બાસણા (મો.૯૪૨૬૩ ૮૮૨૩૪) નો સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે સમગ્ર પદયાત્રાની વિગતો વર્ણવતા નમ્રતાબેન અને કેતનભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:42 pm IST)