Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રૈયાધારમાં મકાનો ઉપર પથ્થરના ઘા કરવા બાબતે પૂછવા જતા દંપતિ સહિત ત્રણ પર હુમલો : વાહનોમાં તોડફોડ

હરેશભાઇ સોલંકી, પત્ની સોનલબેન અને મિત્ર મોહનભાઇને ઇજા : સજન મારવાડી, સંજય મારવાડી, ભીખુ મારવાડી સહિત સાત સામે ગુનો

રાજકોટ, તા. ૧ર : રૈયાધાર મફતીયાપરામાં બાપા સીતારામ ગૌશાળા પાસે છેલ્લા કેટલાક સમયથી મકાનો ઉપર કોઇ શખ્સો પથ્થરના ઘા કરતા હોઇ તે બાબતે પૂછવા જતા વણકર દંપતિ અને તેના મિત્રને મારવાડી શખ્સોએ લાકડી, પાઇપ વડે હુમલો કરી વાહનોમાં તોડફોડ કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં રહેતા અને મહાપાલિકાની ટીપરવાન ચલાવતા હરેશભાઇ નારણભાઇ સોલંકી (ઉ.વ. રપ)એ આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પથ્થરમારો થતો હોય આ બાબતે આ વિસ્તારમાં રહેતા મારવાડી શખ્સોને પૂછતા તે બાબતનો ખાર રાખી સજન મારવાડી, સંજય મારવાડી, ભીખુ મારવાડી તેમજ તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોએ મળી રાત્રે વણકર પરિવારના ઘરે ધસી જઇ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં વણકર યુવાન હરેશ નારણભાઇ સોલંકી (ઉ.રપ) તેની પત્ની સોનલ (ઉ.રપ) તેમજ તેના મિત્ર મોહન મુળચંદભાઇ પ્રજાપતિ (ઉ.૪૮)ને પહોંચી હતી. હુમલાખોરોએ જતા જતા વણકર પરિવારના ઘરમાં પડેલા વાહનમાં પણ તોડફોડ કરી હતી. બનાવ બાદ ઘવાયેલા હરેશ, સોનલ અને મોહનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. હરેશ સોલંકીના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પખવાડીયાથી પથ્થરમારો થતો હોય સમગ્ર વિસ્તારના લોકો પરેશાન હોઇ, તેથી વિસ્તારમાં આવેલા મંદિરમાં રહેવાસીઓ  દ્વારા સમ  લેવામાં આવ્યા હતાં કે આ પથ્થરમારો અમે કર્યો નથી. પરંતુ મારવાડી લોકો મંદિરે ન આવતા તે બાબતે પૂછવા જતા આ બનાવ બન્યો હતો. આ પથ્થરમારની ઘટના બની રહી છે.

જેમાં વિસ્તારમાં સંબંધીના ઘરે આવેલા મહેમાનને પણ ઇજા થઇ હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી.એ. ગોહેલ તપાસ આદરી છે. (૮.ર૦)

(4:24 pm IST)