Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાજકોટ વીજતંત્ર દ્વારા ૨૫૦ કિ.મી. અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રારંભ

કુલ ૧૦૨ કરોડનો ખર્ચઃ સીટી-૧માં સામાકાંઠે આજી નદીના બે ફીડરથી શરૂ કરાશેઃ સીટી-૩માં સાધુ વાસવાણી અને સીટી-૨ માં પારસ ફીડરથીઃ ક્રોસ, લીન્ક, પોલી, ઈન્સ્યુલેટેડ કેબલ પાથરવાનું શરૃઃ રોડ નહી ખોદાયઃ જરી પાડી કામગીરીઃ રોડ ક્રોસમાં ખાસ આડો બોરીંગ કરાશેઃ ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, તળાજા, પાલીતાણા વગેરે શહેરોમાં પણ ૪૫૦ કિ.મી. અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલ પથરાશેઃ યોજના મંજુર

રાજકોટ, તા. ૧૨ :. અંતે રાજકોટમાં ૧૧ કીલોવોટ વીજળીના તાર અને થાંભલાઓ દૂર થશે કેમ કે કેન્દ્ર સરકારની આઈપીડીએસ યોજના હેઠળ રાજકોટમાં વીજળીના કેબલ અન્ડરગ્રાઉન્ડ (જમીનની અંદર) કરવાની યોજના શરૂ થઈ રહી છે. અંદાજે ૨૫૦ કિ.મી. કેબલ અન્ડરગ્રાઉન્ડ પથરાશે, જેના કારણે વીજ થાંભલા અને વીજતાર દૂર થશે. સાથોસાથ વરસાદ, વાવાઝોડા કે સંક્રાંતિ વખતે વીજતાર તુટવાથી થતા શોર્ટસર્કિટના અકસ્માતોનો સીલસીલો પણ બંધ થશે.

આ અંગે વિજતંત્રના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ક્રોસ લીન્ક પોલી ઈન્સ્યુલેટેડ પ્રકારના આધુનિક વિજ કેબલ પાથરવામાં આવશે.

૧૧ કીલોવોટ વીજ લાઈનના આ કેબલ નાખવાનું સીટી-૧માં સામાકાંઠા વિસ્તારમાંથી શરૂ થશે. જે આજી નદીના બે ફીડર માટેનું કામ હશે. જ્યારે સીટી-૨ મા પારસ ફીડર અને જલારામ ફીડરના કાર્યક્ષેત્રમાં વીજ કેબલ પાથરવાનું કામ હાથ ધરાશે.

આ ઉપરાંત સીટી-૩માં સાધુ વાસવાણી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કેબલ પાથરવાનું શરૂ થઈ ગયુ છે. આ કેબલ પાથરવા માટે ડામર રોડને નુકશાન ન થાય તે માટે ખાડા ખોદવાને બદલે રોડ ઉપર ડ્રીલીંગ કરીને કેબલ પાથરવામાં આવશે. જ્યારે રોડ ક્રોસીંગ કરવા માટે આડો બોરીંગ કરીને રોડ નીચેથી કેબલ પસાર કરવામાં આવશે.

વીજ કેબલ પાથરવાનું કામ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાને કારણે બંધ રહેશે. ત્યાર પૂરજોશથી કેબલ પાથરવાનું કામ શરૂ થશે અને માર્ચ ૨૦૧૯ સુધીમાં રાજકોટના ૨૫૦ કિ.મી. વિસ્તારમાં વિજ કેબલ પાથરવાનું કામ પૂર્ણ કરી દેવાનું વીજતંત્રનું આયોજન છે.(૨-૮)

(3:53 pm IST)