Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

શાપર-વેરાવળના મગફળીના ગોડાઉનમાં વેલ્ડીંગના કારણે આગ લાગ્યાનો ઘટસ્ફોટઃ ૪ થી ૫ વેલ્ડરોની સીઆઈડી દ્વારા પૂછપરછ

ગોંડલના મગફળી ભરેલા ગોડાઉનની આગમાં પણ વેલ્ડરોની બેદરકારી બહાર આવતા ધરપકડ કરાઈ હતી

રાજકોટ, તા. ૧૨ :. શાપર-વેરાવળના ગોડાઉનમાં ગત રવિવારે રાજ્ય સરકાર દ્વારા ખરીદાયેલ ૪ કરોડની મગફળીનો જથ્થો સળગી ગયાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમની તપાસમાં મગફળી ભરેલા ગોડાઉનમાં આગ વેલ્ડરોની બેદરકારીને કારણે લાગ્યાનો ઘટસ્ફોટ થયો છે. સીઆઈડી ક્રાઈમની ટીમે ૪ થી ૫ વેલ્ડરોની પૂછતાછ હાથ ધરી છે.

શાપર વેરાવળના ગોડાઉનમાં ૪ કરોડની મગફળી સળગી ગયાની ઘટના અંગે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમને તપાસ કરવાનો હુકમ કરતા સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ગોડાઉનમાં લાગેલ આગ કાબુમાં આવ્યા બાદ એફએસએલની ટીમ તથા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ ૮૯ સેમ્પલો લેવાયા હતા અને આગ કેવી રીતે લાગી ? તેમજ સળગી ગયેલા મગફળીના જથ્થા સાથે માટી છે કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરાયેલ હતી.

બે દિ' પૂર્વે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી દિપાંકર ત્રિવેદીએ શાપર સ્થિત ગોડાઉનની મુલાકાત લઈ સ્થાનિક અધિકારીઓને તપાસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી ડી.પી. વાઘેલા, પીઆઈ આર.જી.રાણા, પી.આઈ. કણજારીયા સહિતની ટીમે ગોડાઉન માલિક નરેન્દ્ર પટેલ સહિત ૨૧ થી ૨૨ વ્યકિતના નિવેદનો લીધા હતા પણ આગ કેવી રીતે લાગી ? તે સ્પષ્ટ થયુ ન હતું.

દરમિયાન સીઆઈડી ક્રાઈમની તપાસમાં શાપર સ્થિત મગફળી ભરેલા ગોડાઉનમાં વેલ્ડીંગ કામ કરાતા અને તેનો તણખો ઉડી મગફળીના જથ્થામાં પડતા આગ લાગી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગોડાઉનમાં વેલ્ડીંગ કરનાર ચાર થી પાંચ વેલ્ડરોની સીઆઈડી ક્રાઈમની ટીમે પૂછતાછ હાથ ધરી છે અને આ વેલ્ડરોએ પણ તેની બેદરકારીને કારણે આગ લાગી હોવાની કેફીયત આપી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ બેદરકારી દાખવનાર વેલ્ડરો સામે આવતીકાલ સુધીમાં ગુન્હો દાખલ કરે તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલના મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી તેમા પણ વેલ્ડરોની બેદરકારી બહાર આવી હતી અને વેલ્ડરોની ધરપકડ કરાઈ હતી.(૨-૧૭)

(3:46 pm IST)