Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મોરબી રોડ પર રજની ઉર્ફ મહાકાલે બે પટેલ યુવાન હર્ષ અને શુભમ્ને ધોકાવ્યા

હર્ષનું બાઇક સ્લીપ થતાં રજનીએ ઠેકડી મશ્કરી કરી'તી ત્યારથી મનદુઃખ ચાલતુ'તું : બંને મિત્રો બાઇક લઇને નીકળતાં પાઇપ-લાકડાથી માર માર્યો

રાજકોટ તા. ૧૦: મોરબી રોડ પર પંચવટી ટાઉન શીપ પાસે મધુવન પાર્કમાં રહેતાં અને પ્રાઇવેટન નોકરી કરતાં હર્ષ વલ્લભભાઇ લીંબાસીયા (ઉ.૧૯) નામના લેઉવા પટેલ યુવાન અને અમદાવાદથી આવેલા તેના મિત્ર શુભમ્ યોગેશભાઇ પટેલ (ઉ.૨૩)ને બંને સાંજે કુવાડવા રોડ ડી માર્ટ પાછળ સમર્પણ પાર્ટી પ્લોટ પાસે ૫૦ ફુટ રોડ પર હતાં ત્યારે ચિંતન પાર્કના રજની ઉર્ફ મહાકાલ અજાણી નામના પટેલ શખ્સ તથા સાથેના ત્રણ શખ્સોએ ઝઘડો કરી પાઇપ અને લાકડાની પટ્ટીથી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. હર્ષના કહેવા મુજબ એકાદ મહિના પહેલા પોતે બાઇક લઇને જતો હતો ત્યારે સ્લીપ થઇ જતાં તે વખતે રજની અજાણીએ ઠેકડી ઉડાડી મશ્કરી કરી હતી. તે કારણે બંને વચ્ચે ઝઘડો થયો હોઇ મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી તેણે ફરીથી હુમલો કર્યો હતો.

(12:19 pm IST)