Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

નિષ્ણાંત એનેસ્થેટીક દ્વારા સોડીયમ-પેન્ટોથાલ નામનું પ્રવાહી આપી આરોપીને ટ્રાન્સમાં લવાયા બાદ નાર્કોટેસ્ટ થાય છે

આજે બહુચર્ચીત અમદાવાદ ગેંગરેપ કેસના આરોપીઓના નાર્કોટેસ્ટની વિધિના પ્રારંભે આજ સુધી ભાગ્યે જ જાણી હોય તેવી રસપ્રદ બાબતો : ગાંધીનગર સ્થિત ગુજરાતના ગૌરવસમી વિશ્વના શ્રેષ્ઠ સાધનો ધરાવતી એફએસએલમાં આરોપીઓને ટ્રાન્સમાં લવાયા બાદ એફએસએલના સાયકલોજીસ્ટો ઘટનાક્રમ અંગે પુછતા જ અર્ધજાગૃત અવસ્થામાં રહેલ આરોપી જે કાંઇ બન્યું હોય તે તુર્ત જ બોલવા લાગે છે : જયાં આરોપીઓના નાર્કોટેસ્ટ થવાના છે ત્યાં સીબીઆઇ અને રો સહિત દેશના વિવિધ રાજયોના આરોપીઓના નાર્કોટેસ્ટ (બ્રેઇન મેપીંગ) ટેસ્ટ પણ કરવામાં આવે છેઃ સૌરાષ્ટ્રના લોકો ગૌરવ લઇ શકે તેવી વાત એ છે કે એફએસએલના વડા ડો.જે.એમ.વ્યાસ મૂળ જુનાગઢના વતની અને રાજકોટના જમાઇ છેઃ ઇન્ટરપોલના સભ્ય રહી ચુકેલા ડો.વ્યાસની નિષ્ઠાની નોંધ વડાપ્રધાન સુધી છે

રાજકોટ, તા., ૯: અમદાવાદના બહુચર્ચીત સેટેલાઇટ ગેંગરેપ કેસમાં પોલીસ તંત્રના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત આરોપીઓ દ્વારા પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે સામેથી નાર્કોટેસ્ટ કરાવવા માટે પોલીસને કરેલ અરજી મુજબ ત્રણેય આરોપીઓના નાર્કોટેસ્ટ માટેની વિધિનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે નાર્કોટેસ્ટ છે શું? તે કેવી રીતે થાય છે?  આ બધી રસપ્રદ બાબતો વાંચકોની ઉત્કંઠાનો અંત લાવી રજુ કરીએ છીએ.

સામાન્ય રીતે આ અગાઉ જણાવ્યું તેમ પોલીસ દ્વારા કે સીબીઆઇ કે રો દ્વારા અટપટ્ટા અને પડકારરૂપ કેસોમાં મૂળ સુધી પહોંચવા માટે નાર્કોટેસ્ટ માટે માંગણી થતી હોય છે. આવા મામલામાં આરોપીઓ મોટે ભાગે તૈયાર થતા ન હોવાથી મામલાઓ અદાલતમાં પહોંચે છે. ઘણી વખત તો અદાલતો પણ આરોપીઓની ઇચ્છા વિરૂધ્ધ આવા ટેસ્ટ ન કરવાના ચુકાદા આપ્યાનું પણ બન્યું છે.

અમદાવાદના સેટેલાઇટ ગેંગરેપ કેસમાં લાંબા દિવસો થવા છતાં પોલીસને આરોપી વિરૂધ્ધ કોઇ સાંયોગીક પુરાવા કે સીસીટીવી પુરાવા જેવા સર્વેલન્સ કે સાયન્ટીફીક પુરાવાઓ ન સાંપડતા જેઓની અટક કરવામાં આવેલ તેવી યામીની સહિતના આરોપીઓને મુકત કરવામાં આવ્યા છે.

આ મામલામાં ફરીયાદી યુવતીએ રાજય પોલીસ તંત્રના એડીશ્નલ ડીજીપી કક્ષાના ખુબ જ અનુભવી પીઢ અને કાયદાના અભ્યાસુ એવા સ્પેશ્યલ પોલીસ કમિશ્નર જે.કે.ભટ્ટ સામે આરોપ મુકતા તેઓએ સામેથી જ પોલીસ કમિશ્નરને વિનંતી કરી તપાસમાંથી મુકત થયા છે. મહિલા આયોગને પણ પોલીસે આરોપી વિરૂધ્ધ કોઇ પુરાવા ન હોવાની કબુલાત કરી છે. ત્યારે આરોપીઓએ સામેથી માંગેલ નાર્કોટેસ્ટનું મહત્વ ખુબ વધી જાય છે.

હવે આપણે સૌથી પ્રથમ જયાં નાર્કોટેસ્ટ થવાનો છે તે સ્થળ અને તેને લગત આનુસાંગીક વિગતો ખુબ જ રસપ્રદ હોવાથી જાણવી જરૂરી છે. ડાયરેકટર ઓફ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી જેવું મોટુ નામ ધરાવતી આ લેબોરેટરી નામ પ્રમાણે જ મોટા ગુણ ધરાવે છે.  લોકોમાં આ લેબોરેટરી કે જે ગાંધીનગરમાં આવેલી છે અને વિશ્વના સર્વશ્રેષ્ઠ સાધનો ધરાવતી હોવાના કારણે સીબીઆઇ, રો અને દેશના વિવિધ રાજયની પોલીસ આ લેબોરેટરીની મદદ લેતી હોય છે.

સૌરાષ્ટ્રના લોકોને ગૌરવ થાય તેવી બાબત એ છે કે એફએસએલના વડા મૂળ જુનાગઢના વતની છે રાજકોટના તેઓ જમાઇ છે. સ્વચ્છ છબી અને નિષ્ઠાને કારણે નાના માણસથી લઇ નરેન્દ્રભાઇ મોદી સુધી તેમની ઉજવળ છાપ છે.

નાર્કોટેસ્ટની વિધિ પહેલા આમ તો આરોપીની સહમતી હોવી જરૂરી છે. નાર્કોટેસ્ટ નિષ્ણાંત એનેસ્થેટીક દ્વારા કરવામાં આવે છે. આરોપીને સોડીયમ પેન્ટોથાલ નામનું પ્રવાહી એનેસ્થેટીક  દ્વારા આપવામાં આવતા જ આરોપી 'ટ્રાન્સ' માં અર્થાત અર્ધજાગૃત જેવી સ્થિતિમાં આવે છે. એફએસએલના સાયકલોજીસ્ટો દ્વારા તેમને ઘટના સબંધીત પ્રશ્ન થતા જ આરોપી ત્યાર બાદ આખો ઘટનાક્રમ સાચે સાચો વાગોળવા લાગે છે. આ બધી બાબતોનું રેકોર્ડીગ થાય છે. નાર્કોટેસ્ટ અંગે આરોપીઓ ભાનમાં ન રહેતા હોવાનું કે કોમા જેવી સ્થિતિ રહેતી હોવાની બાબત બેબુનિયાદ હોવાનું પણ અનુભવી અને નિષ્ણાંત એફએસએલ તજજ્ઞોએ અકિલા સાથેની વાતચીતના અંતે જણાવ્યું હતું. (૪.૮)

 

(5:00 pm IST)