Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતિ અકબંધઃ ૨૬ સભ્યો હાજર

ઓળખ પરેડમાં બાવળિયા જુથના સભ્યો પણ ઉપસ્થિતઃ તમામ ૩૨ સભ્યો કોંગ્રેસ સાથે છે, ભાજપ પંચાયત તોડી બતાવેઃ ખાટરિયાનો લલકાર

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા, પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા વગેરેએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં ઉપપ્રમુખ સુભાષ મોકડિયા, સભ્યો અવસરભાઈ નાકિયા, ભાવનાબેન ભૂત, અગ્રણી દેવેન્દ્ર ધામી વગેરે ઉપસ્થિત છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૯ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોની એકતા બતાવવા અને પંચાયત તૂટી રહ્યાના પ્રચારનો પરપોટો ફોડવા આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા અને પંચાયતના કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ પ્રમુખના બંગલે મિડીયાની હાજરીમાં બોલાવેલ બેઠકમાં ૨૬ સભ્યો હાજર રહ્યા હતા. ૬ પાટીદાર સભ્યો ગેરહાજર રહેલ. બે સભ્યોને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. ખાટરિયાએ પોતે કોંગ્રેસને જ વફાદાર હોવાનું જણાવી ભાજપમાં શકિત હોય તો પંચાયત તોડી બતાવવા લલકાર કર્યો હતો. આજે હાજર અને ગેરહાજર ૬ સહિત તમામ ૩૨ સભ્યો પાર્ટી લાઈનમાં જ હોવાનો તેમનો દાવો છે.

વોરા અને ખાટરિયાએ ૨૬ સભ્યોના નામ અને સહી સાથેનો પત્ર પત્રકારોને આપેલ તેમજ ત્યાં બાવળિયા જુથના તમામ સહિત ૨૬ સભ્યોની સ્થળ પર ઓળખ પરેડ કરાવી હતી.

હિતેષ વોરાએ જણાવેલ કે, એકલી લાકડી ભાંગે પરંતુ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તો આખો ભારો છે તે તૂટશે નહિં. ભાજપ ગમે તેવો પ્રચાર કરે પરંતુ પંચાયતમાં કોંગ્રેસનું શાસન અકબંધ છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, હું કયારેય ભાજપમાં જવાનો નથી. કોંગ્રેસે બે મહિલા સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. તે સિવાય તમામ ૩૨ સભ્યો કોંગ્રેસની સાથે જ છે. ભાજપ ભ્રામક પ્રચાર કરે છે પરંતુ અમારા સભ્યો પ્રલોભનથી કે અન્ય કોઈ રીતે ભાજપમાં જાય તેમ નથી. અઢી વર્ષ પૂર્વે સભ્યોએ પુરી ટર્મ કોંગ્રેસનો સાથ નિભાવવાના સોગંદનામા કર્યા હતા. કુંવરજીભાઈએ અમારા સભ્યોને તોડવા માટે હજુ સુધી કોઈ પ્રયાસ કર્યો હોય તેવુ મારા ધ્યાનમાં નથી. ભાજપમાં જોડાવા માટે કોઈએ મારો સંપર્ક કર્યો નથી કરશે તો હું તેમને ખુલ્લા પાડીશ.

તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે કુંવરજીભાઈ કોંગ્રેસ છોડીને ગયા છે. કોઈ અગ્રણી પાર્ટી છોડે ત્યારે પાર્ટીને દુઃખ થાય તે સ્વભાવિક છે. શંકરસિંહ વાઘેલાનું કોંંગ્રેસમાં ખૂબ માન હતુ છતા તેઓ પાર્ટી છોડીને ગયા આજે તેની શું સ્થિતિ શું છે ? તે સૌ જાણે છે. પ્રદેશ કક્ષાએ ભાજપના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. રાજકોટ જિલ્લામાં પણ ભાજપના ઘણા કાર્યકરો કોંગ્રેસ સાથે સંપર્ક રાખી રહ્યા છે. અમારા તમામ સભ્યો શિસ્તબદ્ધ અને પાર્ટી સાથે છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસન પર કોઈ જોખમ નથી.

સમિતિઓની રચના માટે ૧ ઓગસ્ટ સુધીમાં સામાન્ય સભા બોલાવાશે

રાજકોટ : કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે પંચાયતની સમિતિઓની મુદત ર ઓગસ્ટે પુરી થાય છે તેથી ૧ ઓગસ્ટ, ર ઓગસ્ટે પુરી થાય છે તેથી ૧ઓગસ્ટ સુધીમાં સમિતિઓની રચના માટે સામાન્ય સભા મળનાર છે.  સમિતિના સભ્યો અને અધ્યક્ષોની પસંદગી પ્રવશે કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ નિરીક્ષકોની હાજરીમાં જ થશે.

પૂર્વ પ્રમુખ સહિત ૬ પાટીદાર  સભ્યો ઓળખ પરેડમાં ન આવ્યા

રાજકોટ, તા. ૯ :  જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે આજે યોજાયેલ ઓળ પરેડમાં નિલેષ વિરાણી (પૂર્વ પ્રમુખ), શિલ્પાબેન મારવાડિયા, રેખાબેન પટોળિયા, ધીરૂભાઇ પાધડાર, કે.પી. પાદરિયા અને ચંદુભાઇ શીંગાળા ગેરહાજર રહેતા સૌનું ધ્યાન ખેંચાયુ હતું. આ સભ્યો અસંતુષ્ટ જુથના ગણાય છે. દરેકની ગેરહાજરીના સત્તાવાર કારણ અનિવાર્ય સંજોગો છે પરંતુ રાજકીય કારણ જુદુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ જણાવેલ કે ગેરહાજર તમામ સભ્યો વ્યકિતગત વ્યસનનાને કારણે ગેરહાજર રહ્યા છે તમામ સાથે મારે વાત થઇ છે તેઓ કોંગ્રેસની સાથે જ છે.

ભાજપા કા સાથ સબ સે પ્યારા, સબ સે  ન્યારાઃ કોંગ્રેસના અતંષ્ટો અલગ ચોકો જમાવશે ?

રાજકોટ, તા. ૯ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન તોડવામાં ભાજપ તાત્કાલીક સફળ ન થાય તો અસંતુષ્ટોને ટેકો આપી સમિતિઓની રચના વખતે કોંગ્રેસની હાલત કફોડી કરવાની ગણતરી હોવાનું જાણવા મળે છે. આજે ૬ પાટીદાર સભ્યો ગેરહાજર રહેલ. તમામની ગેરહાજરીના સત્તાવાર કારણો ગમે તે હોય પરંતુ એક જ જ્ઞાતિના સભ્યોની ઓળખ પરેડ વખતની સામુહિક ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. ચાલુ મહિનાના અંતે સમિતિઓની રચના સુધીમાં ભાજપ નવાજૂની ન કરી શકે તો કોંગ્રેસના સભ્યો કોંગ્રેસની સામે પડવા માટે બહારથી ટેકો આપવાની તૈયારી થઈ રહી છે. પ્રમુખ કોંગ્રેસના હોય અને સમિતિઓમાં ભાજપ સમર્થિત અસંતુષ્ટોનું પ્રભુત્વ સ્થપાય તો નવાઈ નહિં. કુંવરજીભાઈ જુથના દસેક જુથના આજે ખાટરિયા-વોરાના આમંત્રણ મુજબ એકતા બતાવવા ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યમાં પાર્ટી લાઈન જાળવી રાખે છે કે, કુંવરજીભાઈવાળી કરે છે ? તે તો સમય જ બતાવશે.

પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા કાર્યવાહી થશે જિલ્લા પંચાયતના ર અને તાલુકા પંચાયતના ૧૭ સભ્યો કોંગીમાંથી સસ્પેન્ડ

રાજકોટ, તા. ૯ :  જિલલ કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ પત્રકારોને જણાવેલ કે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસની વિરૂધ્ધ વર્તવા બદલ જિલ્લા પંચાયતના બે સભ્યો કિરણબેન કિશોરભાઇ આંદીપરા અને ભાનુબેન ધીરૂભાઇ તળપદાને પાર્ટીએ ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત રાજકોટ તાલુકા પંચાયતના ૧૦ (હરદેવસિંહ ગ્રુપ ભાજપમાં જોડાયું છે) લોધિકાના ૩ અને જામકંડોરણા તાલુકાના ૪ સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(4:50 pm IST)