Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મા-બાપના એકના એક પુત્ર ૨૫ વર્ષના પુત્ર ચિરાગ ભટ્ટીનું કોબ્રા કરડતાં મોત

જામનગર રોડ પર શેઠનગર પાસે હંસવાહિની સોસાયટીમાં બનાવઃ રાત્રે દોઢ વાગ્યે બનાવઃ પરિવારજનોએ રૂમ ખાલી કરતાં કાળોતરો પલંગ નીચે બેઠો'તોઃ સર્પ પકડનારે પકડી લીધો

રાજકોટ તા. ૯: હાલની ઋતુમાં સર્પ અને જીવ જંતુ કરડવાના બનાવો શરૂ થયા છે. જેમાં જામનગર રોડ શેઠનગર પાસે હંસવાહિની સોસાયટીમાં માતા-પિતાના એકના એક પચ્ચીસ વર્ષના આધારસ્તંભ પુત્ર એવા વાળંદ યુવાનનું કોબ્રા સાપ કરડી જવાથી મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

હંસવાહિની સોસાયટી-૩માં રહેતો ચિરાગ બકુલભાઇ ભટ્ટી (ઉ.૨૫) નામનો   વાળંદ યુવાન રાત્રે દોઢેક વાગ્યે ઘરમાં સુતો હતો ત્યારે જમણા પગમાં બળતરા ઉપડતાં તે સફાળો જાગી ગયો હતો અને કંઇક કરડી ગયાની બૂમો પાડતાં માતા-પિતા જાગી ગયા હતાં. એ પછી તેને ઉલ્ટીઓ થવા માંડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ પગમાં સાપે દંશ માર્યાની ખબર પડી હતી. જો કે સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચિરાગ માધાપર ચોકડી પાસે વાળંદ કામની કેબીન ચલાવતો હતો. તેના પિતા બકુલભાઇ રિક્ષા હંકારે છે અને માતાનું નામ બીનાબેન છે. કરૂણતા એ છે કે ચિરાગ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. બનાવથી મા-બાપ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. પરિવારજનો ચિરાગનો મૃતદેહ લઇ ઘરે પહોંચ્યા બાદ રૂમમાંથી સામાન બહાર કાઢવામાં આવતાં પલંગ નીચે સાપ જોવા મળતાં સાપ પકડનારને ફોન કરતાં તેણે આવીને સાપ પકડ્યો હતો. તેના કહેવા મુજબ આ કોબ્રા હતો.

(11:58 am IST)