Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજકોટમાં ૨II થી ૩ લાખ બીપીએલ-અત્યોંદય કાર્ડ ધારકોને રેશનીંગની ખાંડનું દર મહિને મોડુ વિતરણઃ દેકારો

પરમીટ નીકળી ગઈ-નાણા ભરાઈ ગયા છતા સંખ્યાબંધ દુકાને ખાંડ હજુ નથી પહોંચીઃ મોટે ભાગે ૧૫ તારીખ પછી જ ખાંડ અપાય છેઃ સર્વરનો પ્રોબ્લેમ જૈસે થેઃ કાર્ડ ધારકો સાથે રોજ ઘર્ષણ

રાજકોટ, તા. ૯ :. રાજકોટ શહેર-જીલ્લાના ૨ાા થી ૩ લાખ બીપીએલ-અત્યોંદય કાર્ડધારકો આ મહિને પણ રેશનીંગની ખાંડ વિહોણા છે. આજે ૯ તારીખ વીતી ગઈ હોવા છતા ખાંડનું સેંકડો દુકાનો ઉપરથી વિતરણ શકય નહીં બનતા, ગરીબો માટેની ચા પણ કડવી ઝેર સમાન બની ગઈ છે.

આવુ એકલા રાજકોટમાં જ નથી, અમદાવાદ-વડોદરા તથા અન્ય શહેરોમાં પણ આજ હાલત છે.

રેશનીંગ દુકાનદારોના કહેવા મુજબ દર મહિનાનો આ પ્રોબ્લેમ છે, ખાંડ દર મહિને ૧૫ તારીખ પછી જ આવે છે, અમારે કાર્ડધારકોને ફરીવાર બોલાવવા પડે છે, આ દુકાનદારોએ ઉમેર્યુ કે આ પ્રશ્ન એટલો બધો જટીલ નથી, પરંતુ મોટી મુશ્કેલી સર્વરની છે, આ પ્રશ્ન પુરવઠા તંત્ર હલ કરતું નથી, રાજકોટ ડીએસઓનું અનેક વખત ધ્યાન દોર્યુ છે, છતાં મુશ્કેલી દૂર કરાતી નથી, અર્ધા કલાકે માંડ ૨ થી ૩ બીલ બને છે, ફૂડ કુપન નીકળે છે, રોજેરોજ કાર્ડધારકો સાથે ઘર્ષણના બનાવોથી અમે કંટાળી ગયા છીએ.

દુકાનદારોએ ખાંડ ન મળવા અંગે ઉમેર્યુ હતુ કે, પરમીટ નીકળી ગઈ - નાણા ભરાઈ ગયા છતા સંખ્યાબંધ દુકાનો ઉપર ખાંડ પહોંચી નથી, સસ્તા અનાજના દુકાનદાર એસો.ના એક હોદેદારની દુકાને આજ સુધી ખાંડ પહોંચી ન હોવાનો દાખલો બહાર આવ્યો છે. દરમિયાન ડીએસઓ શ્રી જોષીનો સંપર્ક કરતા તેમણે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે લગભગ તો ખાંડ આવી ગઈ છે, આમ છતા પોતે તપાસ કરાવી રહ્યા છે.

દરમિયાન દુકાનદારો અને કાર્ડ હોલ્ડરોનું કહેવુ છે કે દર મહિને ૧૫ તારીખ પછી ખાંડ કેમ અપાય છે ? વારંવાર રજૂઆતો છતા પ્રશ્ન હલ કરતા નથી.(૨-૪)

(10:22 am IST)