Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

નાયબ માહિતી નિયામક નિરાલા જોષીના પિતા અને વરિષ્ઠ પત્રકાર ઇન્દુભાઇ જોષીનું નિધન

૧૯૬૧ થી માહિતી ખાતામાં જોડાયા હતાઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં 'યુદ્ધ પત્રકાર' તરીકે ફરજ બજાવી હતીઃ આંધ્રના ઇનાડુ દૈનિકમાં કોલમ લખતા હતાઃ સાંજે ૬ વાગ્યે સ્મશાન યાત્રા

રાજકોટ તા. ૭ : રાજકોટમાં માહિતી ખાતામાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતાં નિરાલા જોષીના પિતા અને સ્વતંત્ર્ય સેનાની તેમજ રાજકોટના પૂર્વ સાંસદ જેઠાલાલ જોષીના પુત્ર, નિવૃત માહિતી નિયામક ઇન્દુભાઇ જોષીનું આજે ૯૩ વર્ષની વયે નિધન થતાં શોક છવાયો છે. તેમની સ્મશાનયાત્રા આજે સાંજે ૬ વાગ્યે તેમના નિવાસસ્થાન વસુંધરા સોસાયટી, એરપોર્ટ રોડ-રાજકોટ ખાતેથી નીકળશે. સ્વર્ગસ્થની પ્રાર્થના સભા તા.૯ને સોમવારે સાંજે પ થી ૬ રાષ્ટ્રીય શાળા ખાતે રાખી છે.

સ્વ.ઇન્દુભાઇ જોષી ૧૯૬૧ થી માહિતી ખાતામા જિલ્લા માહિતી અધિકારી તરીકે જોડાયા હતા. તેમણે ૧૯૬૯ થી ૧૯૭૪ સુધીમાં ખાતામં વિવિધ જિલ્લા કચેરી જેમ કચ્છ, જૂનાગઢ, રાજકોટ સહિતના શહેરમાં ફરજ બજાવી હતી.જ્યારે ૧૯૬પ ની એપ્રિલની લડાઇમાં પાકિસ્તાને કચ્છના રણમાં છાડબેટ કબજે કર્યું હતું જેને આપણા વાયુસેનાના કિલર બ્રધર્સે પાછા હટાવ્યા હતા આ સમયે પત્રકારોને લઇને રણમાં જઇને સ્વ. ઇન્દુભાઇએ સમાચારો પ્રસિદ્ધ કરાવ્યા હતા. ઇન્દુભાઇ જોષીએ યુદ્ધ મોરચાની તસ્વીરો અને યુદ્ધ મોરચાના અખબારી અહેવાલો લખી નાગરિકોને સાચી હકીકતથી વાકેફ કરી દેશ-બાંધવોનો નૈતિક જુસ્સો બુલંદ બને તે માટેની ભૂમિકા ભજવી હતી. આ અરસામાં તેઓ જાપાની પત્રકારોને પંજાબ સરહદે અમૃતસરના યુદ્ધ મોરચે લઇ ગયા હતા. તે વખતના જનરલ કમાન્ડર રાજેન્દ્રસિંહ સ્પેરો સાથે હતા અને ભારતની સેનાએ પાકિસ્તાનને આપેલી હારની તસવીરો વાઘા બોર્ડર, તરનતારન, ભીખી, વીંડ, ઇચ્છોગીલ સરહદે પહોંચીને ઝડપી હતી.

આ ઉપરાંત તેમણે ભારત સરકારના પ્રકાશન વિભાગના બે પુસ્તકોનું ગુજરાતી-અંગે્રજી ભાષામાં ભાષાંતર પણ કર્યું હતું. નવી દિલ્હી રાજઘાટ ખાતેના રાષ્ટ્રીય ગાંધી સંગ્રહ સ્થાન દ્વારા પ્રકાશીત મહાદેવ ભાઇની ડાયરીના ચાર ભાગનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યુ હતું. તેઓ આંધ્રપ્રદેશથી પ્રસિદ્ધ થતાં ઇનાડુ દૈનિક છેલ્લા ૧૩ વર્ષથી કોલોમીસ્ટ તરીકે કાર્યરત હતા.

(3:51 pm IST)