Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

લચપચતા લાડવાને ઘીની ધારા, ગણપતિ લાગે સૌને પ્યારા

ગણેશ મહોત્સવનો છઠ્ઠો દિવસ : સર્વેશ્વર મંદિર યુવક મંડળ દ્વારા કાલે રકતદાન કેમ્પ : જે. કે. ચોકમાં આજે રાજભા ગઢવીનો લોકડાયરો

રાજકોટ તા. ૭ : સર્વે વિઘ્નોનો નાશ કરનારા દુંદાળા દેવની ભકિતમાં રાજકોટ રસતરબોળ બની ગયુ છે. ગણેશ મહોત્સવનો આજે છઠ્ઠો દિવસ છે. દરરોજ ચોકે ચોકે અને શેરીએ શેરીએ બિરાજમાન કરાયેલ ગણપતિ દાદાની સન્મુખ આરતી પૂજનના કાર્યક્રમો ભાવભેર થઇ રહ્યા છે. વિવિધ સ્થળોએ આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

સર્વેશ્વર કા રાજા પંચાયત ચોક ખાતે કાલે રકતદાન કેમ્પ

મિલાપનગર મેઇન રોડ, પંચાયતનગર ચોક પાસે, ઇનોવેટીવ સ્કુલ સામે શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરે ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. જેમાં કાલે તા. ૮ ના રવિવારે સાંજે ૪ થી ૮ રકતદાન કેમ્પ રાખેલ છે. નાથાણી વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી યોજાનાર આ કેમ્પમાં એકત્ર રકત થેલેસેમીયા પીડીત બાળકોને અર્પણ કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મનીષભાઇ રાપલીયા (મો.૯૪૨૬૭ ૧૨૧૧૨), સુભાષભાઇ રામાણી (મો.૯૮૨૪૮ ૮૫૯૯૦), જગદીશભાઇ રામાણી, હસમુખભાઇ ગણાત્રા તેમજ નાથાણી બ્લડ બેંકના કે. ડી. નાથાણી, ભરતભાઇ હઝારે જહેમત ઉઠાવી રહ્યા છે.

જે. કે. ચોકમાં રાત્રે રાજભા ગઢવીનો લોકડાયરો

યુનિવર્સિટી રોડ પર આલાપ એવન્યુ પાસે જે. કે. ચોકમાં આયોજીત ગણેશ મહોત્સવમાં જીવંત સફેદ ઉંદરો દ્વારા ગણેશજીની મુર્તિની થતી પ્રદક્ષિણા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. દરમિયાન અહીં આજે શનિવારે રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયુ છે. ધર્મપ્રેમીજનોએ પધારવા શિવશકિત યુવા ગ્રુપ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

વિસર્જનમાં સલામતી જોજો

ગણેશ મહોન્સવ સમાપન્ન થાય ત્યારે મુર્તિ વિસર્જન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોએ તંત્ર દ્વારા અપાયેલ ગાઇડ લાઇનો જાળવી સલામતી જાળવવા ચીફ એકાઉન્ટન્ટ વિરેન્દ્ર એસ. લાખાણી (મો.૯૮૨૪૧ ૭૩૨૪૮)એ નમ્ર અપીલ કરી છે. સાંજે છ વાગ્યાની સમય મર્યાદા જાળવવા જણાવેલ. મોડી સાંજે અંધારામાં અકસ્માતો બની શકે છે. બાળકો પાણીમાં ન ઉતરે તેની પણ તકેદારી રાખવા વિનંતી કરી છે.

(3:42 pm IST)