Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ડો.વલ્લભભાઈ કથીરીયા અમેરિકાના પ્રવાસે 'હાઉ ડી મોદી' કાર્યક્રમમાં હાજરી આપશે

આયુષ્યમાન યોજના અંગે સલાહ - સુચન, ગૌ આધારીત ઉત્પાદનો અંગે માર્ગદર્શન આપશે : પ્રતિનિધિઓને મળશે

રાજકોટ, તા. ૭ : રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકારના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઈ કથીરીયા તા.૮ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી અમેરીકાના પ્રવાસે જઈ રહ્યા છે. ડો.કથીરીયા ફલોરીડાના ઓર્લેન્ડોમાં તા.૧૯ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર સુધી ગુજરાતી ફીજીશીયન્સ એસોસીએશન, અમેરીકાના વાર્ષિક કન્વેન્શનમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહી કન્વેન્શનનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ડો.કથીરીયા અમેરીકા સ્થિત ડોકટરોની ભારતના વિકાસમાં ભૂમિકા અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારની ઉપલબ્ધિઓ તથા એનઆરઆઈનો સહયોગ વિશે વાર્તાલાપ કરશે. ગુજરાતના વતની ડો. અજીત કોઠારી અને ટીમ આ કન્વેન્શન માટે તડામાર તૈયારી કરી રહી છે. સમગ્ર અમેરીકા અને ગુજરાતની મેડીકલ કોલેજોના ડોકટરો આ કન્વેન્શનમાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર વિચાર વિમર્શ કરશે. ભારતના મેડીકલ એજ્યુકેશન અને હોસ્પિટલ સર્વિસીઝ તથા ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના બાબતે સલાહ - સુચનો કરશે.

આ ઉપરાંત ડો.વલ્લભભાઈ કથીરીયા તા.૮ થી ૧૧ સપ્ટે. કેલીફોર્નિયા સ્ટેટના સેક્રોમેન્ટો, સીલીકોન વેલી અને સાન્ફ્રાન્સીસ્કોની મુલાકાત લઈ જુદા જુદા ભારતીય સમુદાયના લોકો સાથે ભારતમાં આઈટી પર્યાવરણલક્ષી એગ્રીકલ્ચર અને ગૌ આધારીત ઉદ્યોગોની સ્થાપના માટે ભારત સરકારની પ્રોત્સાહક નીતિઓની ચર્ચા વિચારણા કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેઈક ઈન ઈન્ડિયા' સ્કીમ હેઠળ સ્ટાર્ટઅપ સ્કીલ ઈન્ડિયા, ગ્રીન એન્ડ કલીન ઈન્ડિયા માટેના પ્રોજેકટ બાબતે વાર્તાલાપ આપશે.

ડો.કથીરીયા ગૌ આધારીત ઉદ્યોગો જેવા કે વૈજ્ઞાનિક ઢબે ઓલાદ સુધારણા, વિશાળ પાયે ગૌશાળા તથા ડેરી પ્રોજેકટ, ગૌમૂત્ર અને ગોબર આધારીત પંચગવ્ય ઉત્પાદનો, દવાઓ, બાયો પેસ્ટીસાઈડ, બાયો ફર્ટીલાઈઝર વિશાળ પાયે ગૌશાળા તથા ડેરી પ્રોજેકટ, ગૌમુત્ર અને ગોબર આધારીત પંચગવ્ય ઉત્પાદનો, દવાઓ, બાયો પેસ્ટીસાઈડ, બાયો ફર્ટીલાઈઝર, બાયોગેસ પ્લાન્ટ તથા સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ જેવા પ્રોજેકટ માટે દેશભરની ગૌશાળાઓને સ્વાવલંબી બનાવવા એનઆરઆઈના ટેકનોલોજીકલ યોગદાન બાબતે આહવાહન કરશે.

ડો.કથીરીયા હ્યુસ્ટનમાં 'હાઉ ડી મોદી' કાર્યક્રમમાં અને ન્યુયોર્ક- ન્યુજર્સીમાં વિવિધ સામાજીક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ડો.કથીરીયા ભારત સરકારના કાશ્મીરમાંથી કલમ - ૩૭૦ દૂર કરવાના શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અભૂતપૂર્વ ઐતિહાસિક અને સાહસીક નિર્ણયને વધાવવા વિવિધ સંસ્થાઓ સાથે રેલી - વ્યાખ્યાનોમાં જોડાશે.

અત્રે યાદ રહે કે ડો.કથીરીયા રાજકોટના પ્રખ્યાત કેન્સર સર્જન છે. તેમણે ખુદ ૧૨૭ વાર રકતદાન કરી યુવાનોના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. રાજકોટ લોકસભા સીટ પરથી ચાર ટર્મ સાંસદ તરીકે ચૂંટાઈ શ્રી અટલ બિહારી વાજપાઈની કેન્દ્ર સરકારમાં ભારે ઉદ્યોગો, માનવ સંસાધન વિકાસ અને આરોગ્ય જેવા મંત્રાલયોના મંત્રી રહી ચૂકયા છે. ગુજરાતમાં ૭ વર્ષ સુધી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ તરીકે ઉત્તમ સેવાઓ આપી ચૂકયા છે. ગૌસેવાના નવા આયામો સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગાયને આર્થિક ઉત્થાન, યુવા રોજગાર, મહિલા સ્વાવલંબન અને ખેતી તથા ગ્રામ્ય વિકાસ, સામાજીક આરોગ્ય અને પર્યાવરણ રક્ષા જેવા મુદ્દાઓ સાથે જોડી હાલ રાષ્ટ્રીય સ્તરે ગૌસેવાના ગુજરાત મોડલ ને દેશ આખામાં પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.

ડો.કથીરીયા સાથે રાજકોટના પ્રખ્યાત યુરોલોજીસ્ટ અને બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના સ્થાપક પ્રણેતા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અને પૂર્વ ચેરમેન ડો. પ્રદિપભાઈ કણસાગરા પ્રવાસમાં જોડાશે. અમેરીકાની એપલ કંપનીની નોકરી છોડી ઉત્તરપ્રદેશમાં અલીગઢ પાસેના ગામડામાં સ્થાયી થઈ ગૌશાળા શરૂ કરી ગૌસેવાનું આદર્શ મોડલ કાર્યરત કરવા પ્રયત્નશીલ શ્રી અભિનવ ગૌસ્વામી પણ આ પ્રવાસમાં સાથે રહેશે.

(11:53 am IST)