Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મીઠી ચટણી, પપૈયાનો સોસ, રબડી લાડુ સહિત ૪ ખાદ્ય ચીજોના નમૂના નાપાસઃ કલરની ભેળસેળ ખુલી

ગુરૂકૃપા ભેળ હાઉસ, સ્વાદમ મારવાડી રેસ્ટોરન્ટ, જોકર ગાંઠીયા, ગીરીરાજ ઘુઘરા સહિતના ખાણીપીણીના વેપારીઓ સામે હવે કાયદેસર કાર્યવાહી થશે

રાજકોટ, તા. ૬ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા જુદા જુદા ખાણીપીણીના વેપારીઓને ત્યાંથી લીધેલી મીઠી ચટણી, પપૈયાનો સોસ, રબડી લાડુ સહિતની ૪ ખાદ્ય ચીજોની ગુજરાત સરકારની ફુડ લેબોરેટરીમાં તપાસ થતા આ તમામ ચીજ વસ્તુઓમાં પ્રતિબંધીત કલરની ભેળસેળ ખુલતા આ ચારેય નમૂનાઓ નાપાસ જાહેર થયા છે. જે વેપારીને ત્યાંથી આ નમૂનાઓ લેવાયા હતા તે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઈ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ખોરાકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ખાદ્યચીજોના જુદા જુદા ૪ નમૂના લેવામાં આવેલ હતા. જે નાપાસ જાહેર થયેલ છે જેની વિગત આ મુજબ છે.

ફેઈલ ફૂડ સેમ્પલની વિગત (૧) મીઠી ચટણી (લુઝ) શ્રી ગુરૂકૃપા ભેળ હાઉસ પરિમલ સ્કૂલ સામે, કાલાવડ રોડમાંથી લીધેલ જે સબ સ્ટાન્ડર્ડ તથા પ્રતિબંધીત કલરની હાજરી હતી. (૨) રબડી લાડુ (લુઝ) સ્વાદમ મારવાડી રેસ્ટોરન્ટ, બીગબજાર સર્કલ, ૧૫૦ રીંગ રોડમાંથી સબ સ્ટાન્ડર્ડ તથા કલરનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ હતુ. (૩) પપૈયાનો સોસ (લુઝ) જોકર ગાંઠીયા ગેલેકસી સિનેમા, જવાહર રોડમાંથી લીધેલ જે સબ સ્ટાન્ડર્ડ તથા પ્રતિબંધિત કલરની હાજરી હતી. (૪) મીઠી ચટણી (લુઝ) ગીરીરાજ ઘુઘરા સેન્ટર, પેનોરમા બિલ્ડીંગ કોમ્પલેક્ષ, ગોંડલ રોડમાંથી લીધેલ જ સબ સ્ટાન્ડર્ડ તથા પ્રતિબંધીત કલરની હાજરી હતી.

આમ ઉપરોકત વિગતે ફુડ સેમ્પલ ફેઈલ થતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો અન્વયે હવે વેપારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તેમ યાદીના અંતે જણાવાયુ છે.

(3:47 pm IST)