Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોરોના સામે નાગરિકોને બચાવવા માટે સતત સેવારત સિવિલ હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફ

પરદા પાછળના કલાકાર એચ.આર. મેનેજર રેખાબેન પટેલ

રાજકોટ તા. ૬:  'રેખા મેડમ, આ નવા કોવિડ વોર્ડમાં બેડની ગોઠવણી કઈ રીતે કરવી? આજે એડમિટ થયેલા ૧૦ દર્દીઓને કયા વોર્ડમાં રાખવાના છે? ડોકટર્સની શિફટ ડ્યુટી ગોઠવાઈ ગઈ? સામાનની ફેરવણી માટે કેટલાં માણસોને બોલાવવા?'...આવી અનેક સમસ્યાઓ તેમજ સિવિલના તમામ નાના-મોટાં તમામ પ્રશ્નોનાં હસીને જવાબ આપતાં અને સૌની સમસ્યાનું ત્વરિત સમાધાન કરતા હસમુખા કર્મચારી એટલે સિવિલ હોસ્પિટલના એચ.આર.મેનેજર રેખાબેન પટેલ. કોરોના સામેની લડાઇમાં તેઓ પ્રારંભથી જ સતત તમામ ટીમો સાથે ૨૪*૭ કાર્યરત છે. તબિબો, નર્સિંગ સ્ટાફ અને બીજા વોરિયર્સ સાથે મેનેજમેન્ટ સ્ટાફનું કામ પણ વખાણવા લાયક બની રહ્યું છે.

અંદાજે ૬ મહિનાથી છવાયેલા કોવિડ-૧૯ના ઘનઘોર અંધકાર વચ્ચે માનવસેવાનાં દીપનાં અજવાશને સાચવી સતત કાર્યરત કોરોના યોદ્ઘાઓ કોરોના સામે ઢાલ બનીને આપણી શારીરિક સુખાકારી માટે અવિરત લડાઈ લડી રહ્યા છે. હાલ દિવસ-રાત જોયા વિના ડોકટર્સ, નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેખાબેન એક એવા વ્યકિત છે કે જેઓ પડદાની પાછળ રહીને ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.

એમ કહેવાય છે ને કે ઇમારત મજબૂત ત્યારે જ બને જયારે તેના પાયા મજબૂત હોય. તેવી જ રીતે હોસ્પિટલમાં દર્દીની સેવા-સુશ્રુષા બરાબર રીતે થાય તેમજ હોસ્પિટલની કામગીરી સરળતાપૂર્વક થઈ શકે તે માટે મેડિકલ સ્ટાફની જેટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા મેનેજમેન્ટ સ્ટાફની છે. હોસ્પિટલમાં કોઈ પણ કામગીરી માટે માણસોની વ્યવસ્થા કરવી, કયાં વોર્ડમાં કયાં સ્ટાફની ડ્યુટી ગોઠવવી, દરેક વોર્ડમાં સ્વચ્છતા અને સુઘડતા જળવાઇ રહે તે માટેની વ્યવસ્થા કરવી, ડોકટર્સ, નર્સ તેમજ દર્દીઓની તમામ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવું તેમજ તમામ નિયમોના પાલન સાથે સમગ્ર હોસ્પિટલની કામગીરીનું સંચાલન જેવી તમામ બાબતો રેખાબેન સંભાળે છે. આપણા ઘરમાં એક દિવસ માટે મહેમાન આવે તો પણ આપણે તેમની આગતા-સ્વાગતા કરીને કેવાં થાકી જઈએ છીએ ત્યારે રેખાબેન તો લગભગ માર્ચ મહિનાથી નિરંતર સિવિલને પોતાનું ઘર માની અહીં આવતાં તમામ દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા-સુશ્રુષા કરી રહ્યાં છે. હોસ્પિટલમાં ઘણા કામ એવાં પણ હોય જે લાંબો સમય માંગી લે. પરંતુ તે કામને પણ ઓછામાં ઓછા સમયમાં અને ઉત્સાહપૂર્વક પૂરું કરવું તે રેખાબેનની ખાસિયત છે. તાજેતરમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અંદાજે ૧૦૦૧૫૦ દર્દીઓ રહી શકે તેવો કોરોના વોર્ડ તૈયાર કરવાની જવાબદારી તેમણે સહર્ષ સ્વીકારી અને ત્વરિત ધોરણે તેમની દેખરેખ હેઠળ તેમાં રંગકામ, સમારકામ,ઙ્ગ ઓકિસજન પાઇપ ફિટિંગ, સાઈનેજીસ તેમજ જરૂરી ઉપકરણો સહિત વોર્ડ તાબતોબ તૈયાર કરી દીધો.ઙ્ગ

રેખાબેનની વિશેષ બાબત એ છે કે તેઓ માત્ર પોતાની ઓફિસમાં બેસી કરવા ખાતર કામ નથી કરતાં પરંતુ તેઓ સવારથી સાંજ સુધી અલગ અલગ વોર્ડમાં ફરી લોકોની સમસ્યાનું નિરાકરણ કરતાં જોવા મળે, અને એ પણ એકદમ સ્મિતસભર ચહેરે તેમજ નિખાલસ ભાવે. તેમની મેનેજમેન્ટ ટીમ પણ રેખાબેનના સૂચનનું ચુસ્તપણે પાલન કરે છે. સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીને દર્દીનારાયણ માની તેને સાજા કરવા માટે હકારાત્મકતાનો  સ્ત્રોત બનતા રેખાબેન કોરોનાના આ કપરા કાળમાં માનવસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ બની ઉભર્યા છે. તેમની કાર્યનિષ્ઠાને સોૈ બિરદાવી રહ્યા છે.

(4:22 pm IST)