Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પુરવઠા નિગમના આસી. ડેપો મેનેજર લાલજીભાઇ સોજીત્રાના આપઘાત કારણ અંગે ઘુંટાતું રહસ્ય

ડિપ્રેશનમાં પેરેલેસીસ આવી જાય અને પથારીવશ રહેવું પડે તે કરતા આ રીતે જાઉ છું... : સ્યુસાઇડ નોટમાં ડિપ્રેશનના કારણે પગલુ ભર્યાનો ઉલ્લેખ : કામના બોજાથી ત્રાસી જઇ પગલુ ભર્યાની સ્ટાફ વર્તુળોમાં ચર્ચા પોલીસ કહે છે સ્યુસાઇડ નોંધમાં કોઇનું નામ નથી પણ પરિવારજનો પુરાવા સાથે ફરીયાદ કરશે તો કાર્યવાહી કરશું

રાજકોટ તા.૬: લોધીકા પુરવઠા નિગમના ગોડાઉનના આસી.મેનેજર લાલજીભાઇ ભાણજીભાઇ સોજીત્રા (ઉ.પ૭) એ લોધીકા સ્થિત કચેરીમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં સ્યુસાઇડ નોંટમાં ડિપ્રેશનના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ છે  પરંતુ આપઘાત પાછળ અન્ય કારણ હોવાની ચર્ચાઓએ જોર પકડયુંછે.

પ્રાપ્ય વિગતો મુજબ રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલ આલાપગ્રીન સીટીમાં રહેતા અને લોધીકા પુરવઠા નિગમના ગોડાઉનમાં આસી.ડેપો.મેનેજર તરીકે ફરજ બજાવતા લાલજીભાઇ ભાણજીભાઇ સોજીત્રા (ઉ.પ૭) ગઇકાલે લોધીકા સીટી પોતાની ઓફીસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા લોધીકાના પી.એસ.આઇ. એચ.એમ. ધાંધલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પીએમ માટે હોસ્પીટલે ખસેડી હતી.

પોલીસને ઘટના સ્થળેથી મૃતક લાલજીભાઇએ લખેલી બે પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું છે કે પોતાનાથી હાલ કામ નથી થઇ રહ્યું. કામના ડીપ્રેશનમાં પેરાલીસીસ થઇ અને ખાટલે પડયા રહેવા કરતા આ રીતે જાઉ છું સ્યુસાઇડનોટમાં કોઇના નામજોગ ત્રાસ હોવાનો કોઇ વાતનો ઉલ્લેખ નથી.

બીજી બાજુ સ્ટાફ વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છે કે મૃતક લાલજીભાઇને નિવૃતિ આડે ચારેક માસ જ બાકી હતાં. આંખમાં મોતીયો હોય આંખે સરખુ દેખાતું ન હોવા છતાં કામ કરવું પડતું હતું અને કોરોનાને કારણે મૃતક લાલજીભાઇને રજા મળતી ન હતી. પુરવઠાના ગોડાઉનમાં પૂરતો સ્ટાફ ન હોય કામનો સતત બોજો રહેતો હતો.

આ અંગે લોધીકાના પીએસ.આઇ. એચ.એમ. ધાંધલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક લાલજીભાઇએ લખેલ બે પાનાના સ્યુસાઇડનોટમાં કોઇના નામજોગ ત્રાસ હોવાનો કોઇ ઉલ્લેખ નથી, પરંતુ તેમ છતાં તેના પરિવારજનો પુરાવા સાથે કોઇની સામે ફરીયાદ કરવા માંગતો હોય તો અમો આગળની કાર્યવાહી કરીશું. હાલ તુર્ત તો મૃતક લાલજીભાઇ કામના બોજના કારણે ડિપ્રેશનનો શિકાર બની જતા આ પગલુ ભર્યાનું તારણ નીકળ્યું છે.

મૃતક લાલજીભાઇને સંતાનમાં બે પુત્રી છે જેમાં એક તબીબ છે અને બીજી પુત્રીના લગ્ન થઇ ગયા છે. બન્ને પુત્રીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(4:16 pm IST)