Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઝાડ પડતા ઘરના દરવાજા બંધ થયાઃ ચેતનભાઇ સોનીએ અગાસીના ભાગેથી ચાર સ્વજનોને બચાવી લીધા પણ પોતાનો જીવ ગુમાવ્યો

રામમઢીનું ઝાડ તૂટી પાછળની સાઇડના મકાન પર પડતાં દૂર્ઘટનાઃ વિજતાર તૂટી પડતાં ઘરોની દિવાલોમાં કરંટ ચાલુ થઇ ગયો'તો : પોતાના પત્નિ, નાના ભાઇના પત્નિ, તેના બે બાળકોને પોતાની અગાસી પરથી બાજુની અગાસી પર મોકલ્યા પછી પોતે દિવાલ ટપવા ગયા ત્યારે ઝાડ સાથે ફસાયેલો વિજતાર હાથમાં આવી જતાં કરંટ લાગ્યો ને પ્રાણ નીકળી ગયાઃ વાગડીયા પરિવારમાં ગમગીની : વાવાઝોડાએ હાથીખાનાના હર્યાભર્યા પરિવારનો માળો પીંખી નાંખ્યો

તસ્વીરમાં વાવાઝોડામાં તૂટી પડેલુ રામ મઢીનું વર્ષો જુનુ તોતીંગ ઝાડ, મંદિર તથા આ ઝાડને જે ઘરના પ્રવેશદ્વાર બંધ થઇ ગયા હતાં તે ઘર અને એકઠા થયેલા લોકો તથા અગાસી પર વિજતારને અડી જતાં પોતાનો જીવ ગુમાવનારા અને એ પહેલા ચાર સ્વજનોનો જીવ બચાવી લેનારા સોની ચેતનભાઇ છગનભાઇ વાગડીયાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: ગત સાંજે અચાનક ફુંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદમાં શહેરમાં ઠેકઠેકાણે ઝાડ પડી ગયા હતાં અને નાનુ મોટુ નુકસાન થયું હતું. હાથીખાનામાં રહેતાં પરિવાર માટે આ વાવાઝોડુ પરિવારના મોભીને છીનવી લેનારું સાબિત થયું હતું. હાથીખાના રામમઢીનું એક તોતીંગ ઝાડવું વાવાઝોડામાં તૂટી પડી પાછળની સાઇડમાં પડતાં ત્રણ મકાનના આવવા-જવાના મુખ્ય દરવાજા બંધ થઇ ગયા હતાં. ઝાડ સાથે વિજતાર પણ તૂટી પડ્યા હોઇ ઘરની દિવાલોમાં શોર્ટ સરકિટ ચાલુ થઇ જતાં બચવા માટે લોકો અગાસી તરફ ભાગ્યા હતાં. જેમાં એક સોની પરિવારના વડિલે પોતાના ચાર સ્વજનોને તો અગાસીના ભાગેથી બચાવી લીધા હતાં. પરંતુ પોતે દિવાલ ટપવા ગયા ત્યારે તૂટી પડેલા ઝાડમાં ફસાયલો વિજતાર ન દેખાતાં તે હાથમાં આવી જતાં કરંટ લાગતાં તેમનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ હાથીખાના રામ મઢી પાસે શેરી નં. ૧૪માં રહેતાં ચેતનભાઇ છગનભાઇ વાગડીયા (ઉ.વ.૫૭) નામના સોની પ્રોૈઢને વાવાઝોડા વખતે પોતાના ઘરની અગાસી પર વિજકરંટ લાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. વીરભદ્રસિંહ વી. જાડેજાએ જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે વિગતો જણાવતાં મૃત્યુ પામનાર ચેતનભાઇ વાગડીયાના ભત્રીજા પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ વાગડીયાએ જણાવ્યું હતું કે-અચાનક વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઇ જતાં અમારા ઘર પાસે આવેલા રામ મંદિરનું તોતીંગ ઝાડ તૂટી પડ્યું હતું અને બાજુમાં રહેતાં મારા કાક ચેતનભાઇ વાગડીયા તથા અમારા ઘરનો મુખ્ય દરવાજો તથા અન્ય એક પડોશીનો આવવા-જવાનો દરવાજો  બંધ થઇ ગયો હતો. ઝાડ તૂટી પડ્યું તેની સાથે વિજતાર પણ તૂટી પડ્યા હોઇ કાકા ચેતનભાઇ અને તેના પડોશીના ઘરની દિવાલોમાં શોર્ટ સરકિટ થવા માંડતા દેકારો મચી ગયો હતો. બચવા માટે બધા લોકો અગાસી પર ચડી ગયા હતાં.

જેમાં મારા કાકા ચેતનભાઇએ તેમના પત્નિ શિલ્પાબેન, નાના ભાઇ હિરેનભાઇના પત્નિ અવનીબેન તથા તેના બે બાળકો પાલવ  અને ભોલો મળી ચાર સભ્યોને અગાસી પરથી બાજુની અગાસીએ પહોંચાડી દીધા હતાં. એ પછી તે પોતે બચવા માટે બાજુની અગાસી પર આવવા વંડી ટપતા હતાં ત્યારે તૂટી પડેલા ઝાડ સાથે ફસાયેલો જીવતો વિજતાર તેમના હાથમાં આવી જતાં કરંટ લાગ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતાં.

કાકી, બાળકો બધા અમારા ઘર તરફ બચીને આવી ગયા છતાં કાકા ચેતનભાઇ ન આવતાં અમે ઉપર જોવા ગયા ત્યારે અમને ઘટનાની જાણ થઇ હતી. લાકડા વડે તારને દૂર હટાવી કાકાને બહાર કાઢી અમે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ ત્યારે મોડુ થઇ ગયું હતું. કાકાએ ઘરના ચાર સ્વજનોને બચાવી લઇ મોભીની ફરજ બજાવી હતી. પણ કમનસિબે તેઓ પોતે બચી શકયા નહોતાં. તેમ વધુમાં પ્રજ્ઞેશભાઇએ દુઃખી હૃદયે જણાવ્યું હતું.

ચેતનભાઇ વાગડીયા ત્રણ ભાઇમાં બીજા નંબરે હતાં અને ઘરે મેટલકામ કરતાં હતાં. તેમને બે દિકરી છે જે સાસરે છે. પોતે પત્નિ શિલ્પાબેન, નાના ભાઇ, તેના પત્નિ અને તેના બે બાળકો સાથે રહેતાં હતાં. બનાવને પગલે હાથીખાનામાં ગમગીની છવાઇ ગઇ હતી. ઝાડ સાથે વિજતાર તૂટી પડતાં વિજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. આમ વાવાઝોડાએ હાથીખાનાના હર્યાભર્યા સોની પરિવારનો માળો પીંખી નાંખ્યો હતો.

(1:04 pm IST)