Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજકોટમાં ગતરાતે બિહામણો વરસાદઃ ૩૦ મીનીટમાં ૨ ઇંચ

વાવાઝોડા જેવા પવન ફુંકાતા લોકો ઘરમાં ઘુસી ગયાઃ પ્રથમ ૧૫ મીનીટ તો વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું: જોરદાર વરસાદ સાથે એકધારા ભયાનક વિજળીના કડાકા-ભડાકાઃ ગણતરીની મિનીટોમાં જ ચોમેર પાણી-પાણી

રાજકોટઃ તા.૬, સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં નેઋત્યનું ચોમાસુ સક્રિય બન્યુ છે. અમુક જગ્યાએ તો સાંબેલાધાર વરસ્યો છે. ત્યારે ગતરાતે રાજકોટમાં મેઘરાજાનું અતિ રોંદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ. માત્ર ૩૦ મીનીટમાં બે ઇંચ ખાબકી ગયો હતો. શહેરભરમાં ઠેકઠેકાણે ભારે ખાનાખરાબી સર્જાઇ હતી.

રાજકોટ શહેરમાં ગઇકાલે બપોર બાદ ધાબડીયુ વાતાવરણ થઇ ગયુ હતુ. ઠંડા પવન ફુંકાતા હતા. ઝાપટા વરસતા હતા. પરંતુ રાત્રીના આઠેક વાગ્યે એકાએક વાવાઝોડા જેવા પવન ફુંકાવા લાગ્યા હતા. તોફાની પવનની સાથે જ જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો હતો. વરસાદનું જોર પણ એકદમ જોવા મળ્યુ હતુ. એકાએક તોફાની પવન સાથે વરસાદ તુટી પડતા થોડીવાર તો લોકોમાં ડર વ્યાપી ગયો હતો. લોકો પોત પોતાના ઘરોમાં ઘુસી ગયા હતા.

 વાવાઝોડા જેવા પવન સાથે એકધારો વરસાદ પણ ચાલુ થઇ ગયો હતો. સાથો સાથ અવિરત પણે વિજળીના કડાકા-ભડાકા પણ જોવા મળતા હતા. બિહામણુ રૂપ જોવા મળતુ હતુ. એકધારા  વિજળીના ચમકારા જોવા મળતા હતા.

આશરે ત્રીસેક મીનીટ વરસાદનું જોર જોવા મળ્યુ હતુ. જેમાં ૧૫ મીનીટ તો એકરસ બનીને વરસ્યો હતો. ત્યારબાદ જોર ધીમુ પડયુ હતુ. આશરે ત્રીસ મીનીટમાં બે ઇંચ પાણી પડી ગયું હતુ. નિયમીત પણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જાહેર માર્ગો ઉપર પણ પાણીની રેલમ છેલ જોવા મળી હતી.

માત્ર ૩૦ મીનીટના વરસાદે શહેરભરમાં ખાનાખરાબી સર્જી દીધી હતી. અનેક જગ્યાએ લાઇટો ગુલ થઇ ગઇ હતી. ફીડરો બંધ થઇ ગયા હતા. તો ઢગલાબંધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.ઙ્ગ(૪૦.૩)

હવામાન ખાતાના આંકડા

ગતરાતે ૪૫.૮ મી.મી.

મોસમનો કુલ ૪૭૪.૮ મી.મી. (૧૯ ઇંચ)

ફલડ કંટ્રોલ રૂમના આંકડા

સેન્ટ્રલ ઝોન -૩૩ મી.મી. મોસમનો ૪૯૪ મી.મી.

.વેસ્ટ ઝોન-૫૦ મી.મી. મોસમનો ૪૭૯ મી.મી.

 ઇસ્ટ ઝોન-૩૦ મી.મી. મોસમનો  ૪૯૪ મી.મી.

(11:25 am IST)