Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રેલવે અને બસ સ્ટેશનથી અપડાઉન કરનારા લોકો 'ટોપા' કયાં રાખે ? હેલ્મેટથી મુસીબત

લોકોની વેદના સમજવાની સંવેદના સરકારમાં છે કે નહિ !

રાજકોટ, તા. ૫ :. સરકારે ૧ નવેમ્બરથી હેલ્મેટ નવા દંડની જોગવાઈ મુજબ ફરજીયાત કરતા શહેરી વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જેવા મહાનગરોમાં વસ્તી અને વાહનોની મોટી સંખ્યાના કારણે વધુ ઝડપે વાહન ચલાવવુ શકય નથી છતાં પોલીસે હેલ્મેટ ન પહેરનાર ટુવ્હીલર્સ ચાલકો સામે આકરો અભિગમ અપનાવતા લોકોમાં રોષ ફેલાયો છે. હેલ્મેટ પહેરવામાં લોકોને જેટલી વધુ અકળામણ છે તેનાથી વધુ અકળામણ હેલ્મેટ સાચવવામાં છે.

રાજકોટ જેવા શહેરોમાં બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન પર સવારે પોતાનુ સ્કૂટર રાખી નજીકના વિસ્તારોમાં અભ્યાસ કે ધંધા-રોજગાર માટે જતા લોકોની સંખ્યાનું પ્રમાણ મોટુ છે. આવા લોકો જો હેલ્મેટ પહેર્યા વગર રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જાય તો રસ્તામાં પોલીસ રોકે અથવા કેમેરામાં કેદ થઈ ઈ-મેમો મેળવવા પાત્ર બને તેવી ભીતિ રહે છે. હેલ્મેટ સાથે લઈને જાય તો બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશનમાં કયાં રાખવી ? તે પ્રશ્ન થાય છે. વાહન સ્ટેશન પર મુકયા પછી નોકરી-ધંધાના સ્થળે હેલ્મેટ સાથે લઈને ફરવાનુ અનુકુળ ન રહે તે સ્વભાવિક છે. સરકારે કાયદાનો સખત અમલ કરવાની બદલે વ્યવહારૂ અમલ કરવો જોઈએ તેવી લોકલાગણી છે.

(4:02 pm IST)