Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વડનગરમાં કાલથી તાના રીરી મહોત્સવઃ રાજયભરમાંથી નાગર જ્ઞાતિજનો ઉમટશેઃ રાજકોટથી ત્રણ બસ રવાના થશે

રાજકોટ તા. પ : વડનગર ખાતે કાલે તા. ૬ અને તા.૭ ના આયોજીત 'તાનારીરી' મહોત્સવમાં રાજયભરમાંથી નાગર જ્ઞાતિજનો  ઉમટનાર છે.

આ અંગે 'અકિલા'ખાતે વિગતો વર્ણવતા ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીના આગેવાનોએ જણાવેલ કે રાજકોટથી વડનગર જવા ત્રણ બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કાલે સવારે ૬ વાગ્યે નાગરજ્ઞાતિજનો રાજકોટથી રવાના થઇ આ મહોત્સવમાં સામેલ થશે.

સંત શિરોમણી, પ્રાતઃ સ્મ્રણીય આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠા પુત્રીઓ તાના અને રીરી કે જેણે સંગીતના રાગોને આત્મસાધ કરેલા હતા. સંગીત સમ્રાટ તાનસેન એ જયારે રાગ દિપક ગાયો હતો ત્યારે પોતાને ઉપડેલી દાહને વડનગર ખાતે આવેલી શર્મિષ્ઠા નદીના કાંઠે તાના અને રીરીએ મલ્હાર ગાઇ શીતળતા આપેલી હતી. આજે પણ સંગીતકારો તાના અને રીરીનું સ્મરણ અવશ્ય કરતાં હોય છે અને ત્યાર બાદ જ સંગીતની આરાધના શરૂ કરે છે.

આ બંને સંગીત બેલડી અને બેનડીની સ્મૃતિમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર આયોજિત ''તાના રીરી મહોત્સવ-ર૦૧૯'' આગામી ૬ અને ૭ નવેમ્બરના રોજ વડનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા અન્ય મંત્રીઓ તથા અધિકારીશ્રીઓની હાજરીમાં યોજવામાં આવેલ છે.

ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (GUNA) દ્વારા ગામેગામથી ૧૦ થી વધારે બસ દ્વારા આશરે પ૦૦ થી વધુ નાગર જ્ઞાતિજનોને વડનગર લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે એ ઉપરાંત કોઇ ખાનગી વાહનોમાં આવશે.  સૌ પ્રથમ વડનગર ખાત ેઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના જયકારા કરી સૌ જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (GUNA)  ના પ્રમુખ ઓજસ માંકડ અને મહામંત્રી અભિલાષ ઘોડાના જણાવ્યા મુજબ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (GUNA)  દ્વારા લેવાયેલા દરેક આયોજનને જ્ઞાતિ દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડયો છે.

તાના રીરીના વંશજ પ્રત્યેક નાગર જ્ઞાતિજનને આ મહામુલા અવસરનો લહાવો મળે તે માટે વૈશ્વિ વિઝન સાથે ચાલતા ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (GUNA) ના પ્રમુખ ઓજસભાઇ માંકડ(મો.૯૮રપ૧ ૯પ૯૦૦) જિંગર રાણા (ઉપપ્રમુખ), અભિલાષભાઇ ઘોડા (મહામંત્રી), રાજલભાઇ મહેતા (ખજાનચી), શ્રીમતી હિતેક્ષાબેન બુચ (જોઇન્ટ સેક્રેટરી) તથા ભુશનભાઇ વૈષ્ણવ અને કુ.ધારાબેન વૈષ્ણવે ગુજરાતના દરેક શહેરના સેન્ટરહેડ સાથે સંકલન સાધી આ સમગ્ર આયોજન પાર પાડેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સેન્ટર હેડ રાજકોટ નિર્મિતભાઇ છાયા (મો.૯૮રપર ૧૩૬૧૯), ઓજસભાઇ માંકડ, વિપુલભાઇ પોટા, કૃતિબેન કિકાણી, યાત્રીબેન કિકાણી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:40 pm IST)