Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સેવાકીય વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સેવાભાવીઓને પોલીસ દ્વારા ખોટી કનડગત : ગાયત્રીબા વાઘેલાની દરમિયાનગીરી બાદ મામલો થાળે

રાજકોટ, તા. ૪ : આજે સવારે માલવીયાનગર ચોકમાંથી પસાર થઈ રહેલા એડવોકેટ જીજ્ઞેશ જોષી અને તેમની સાથેના સેવાભાવી લોકોને એ ડિવીઝન પોલીસે અટકાવી રસ્તા પર નીકળવાનો ખુલાસો પૂછયો હતો. જેના જવાબમાં સેવાકીય વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયા હોવાના પુરાવા અને પાસીસ રજૂ કરવા છતાં તમામને તેમના વાહન સાથે પોલીસ સ્ટેશને દોરી જવામાં આવ્યા હતા અને વાહન ડીટેઈન સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવતા રોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતની ફરીયાદ પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ અને કોંગ્રેસના લીગલ સેલના અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા સુધી પહોંચતા તેઓ તાબડતોબ એ ડિવીઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ફરીયાદનો પડઘો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્થાનિક આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ સુધી પહોંચાડ્યો હતો. પાછળથી આ મામલો થાળે પડયો હતો અને પોલીસ સ્ટેશને લઈ જવાયેલા એડવોકેટ સહિતના સેવાભાવી લોકોને પોલીસે માનભેર જવા દીધા હતા.  તસ્વીરમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયેલી ઈનોવા કારમાં સેવાકીય પ્રવૃતિ માટે લઈ જવાતી અનાજની તૈયાર કીટો નજરે પડે છે. ઈનોવા સાથે તસ્વીરમાં નજરે પડતા જીજ્ઞેશ જોષી અને ગોપાલભાઈ સહિતના સેવાભાવીઓએ પોલીસની કનડગતના આક્ષેપ માધ્યમો સમક્ષ કર્યા હતા. ગઈકાલે પણ અનાજની કીટ લેવા જઈ રહેલા એક ટુ વ્હીલર ચાલકને અટકાવી પોલીસે ખુલાસો માગ્યો હતો. જેના જવાબમાં ટુ વ્હીલર ચાલકે રાશન કાર્ડ ઉપર અનાજ લેવા જઈ રહ્યાનું જણાવતા પોલીસ સ્ટાફ તેમની સાથે રાશનકાર્ડ દુકાન સુધી ગઈ હતી અને પાછળથી વાહનચાલક પાસેથી હાજર દંડ વસૂલવાની કાર્યવાહી થઈ હતી. ફરીથી આજે પણ પોલીસે આવુ જ વર્તન કરતાં સેવાભાવી લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ વાઘેલાએ ફરીયાદ પહોંચાડ્યા બાદ આ મામલે નિરાકરણ થયુ હતું. (ફોટો : સંદિપ બગથરીયા)

(4:00 pm IST)