Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજકોટ જીલ્લામાં ૧૪ એપ્રિલ સુધી ધરણા-આંદોલનો ઉપર પ્રતિબંધઃ ફોજદારી માટે ડીવાયએસપી-પીઆઇ-પીએસઆઇને સતા

કલેકટરે બહાર પાડેલુ જાહેરનામુ : નેશનલ ડીઝાસ્ટર એકટની કલમ-૩૪ની અમલવારી

રાજકોટ, તા. ૪ : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સબંધમાં રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૧૩-૪-ર૦ર૦ના જાહેરનામાથી તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા. ર૪-૩-ર૦ર૦ના હુકમથી આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ તા. રપ-૩-ર૦ર૦થી ર૧ દિવસ માટે મોકુફ રાખવામાં આવેલ છે.

લોકડાઉન દરમિયાન કોઇપણ લોકો ધરણા, આંદોલન, દેખાવો, રસ્તામાં અવરોધ, વિરોધ પ્રદર્શન કરે તો લોકો ઉપર વિપરીત અસર પડે. જેના કારણે લોકડાઉનનો હેતુ જળવાઇ નહીં. આથી નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ નીચે મુજબની જણાવેલ વિગતે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નિયંત્રણો કલેકટરે જાહેર કર્યા છે.

કલેકટરરેમ્યા મોહને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯પ૧ની કલમ-૪૩ અને નશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ની રૂએ જણાવ્યું છે કે, સમગ્ર રાજકોટ જીલ્લાના વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તેમજ લોકડાઉનની પરિસ્થિતિ ચૂસ્તપણે જળવાઇ રહે તે માટે કોઇપણ વ્યકિતએ જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસના વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર, શેરી-બંધ ગલીઓમાં કે એવા કોઇ પણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહીં તેમજ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહીં કે અવર-જવર કરવી નહીં તેમજ લોકડાઉનની ચૂસ્તપણે અમલવારી કરવી. આ હુકમની અમલવારી તા. ૪-૪-ર૦ર૦થી તા. ૧૪-૪-ર૦ર૦ સુધી કરવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯પ૧ની કલમ-૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ ગરામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯પ૧ની કલમ-૧૭, ૧૮ તથા ૧૯થી મળેલ સત્તાની રૂએ અધિકૃત કરવામાં આવે છે.

(3:34 pm IST)