Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટમાંથી 'તેલ' અદ્રશ્ય બનતા કલેકટરે તપાસ હાથ ધરી : કોણે ખરીદી કરી - સંઘરો કર્યો તે અંગે ધમધમાટ

ખાદ્યતેલના કાળાબજાર થતા અમુક ઓઇલ મીલરોને શાનમાં સમજી જવા અને સંઘરો કર્યો હોય તો ચેતવણી : મોડી રાતથી તમામ ઓઇલ મીલરો પાસે કેટલું તેલ - બજારમાં કેટલા ડબા - કઇ સેવાભાવી સંસ્થા લઇ ગઇ વિગેરે અંકોડા મેળવવાનું શરૂ : બપોર બાદ દરોડાનો દોરનો સંકેત

રાજકોટ તા. ૧ : રાજકોટ શહેર - જિલ્લામાં લોકડાઉન છે, દરમિયાન તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે છે, પરંતુ ખાવાનું સીંગતેલ, કપાસીયા તેલ, પામતેલ એકાએક અદ્રશ્ય બની જતાં જિલ્લા વહિવટી તંત્ર ચોંકી ઉઠયું છે. કલેકટર પાસે ગત મોડી રાત્રે આવી ફરિયાદો આવતા તેમણે તપાસ હાથ ધરી છે, કોણે ખરીદી કરી - કોણે સંઘરો કર્યો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ખાદ્યતેલના કાળાબજાર થતા અમુક ઓઇલ મીલરોને શાનમાં સમજી જવા અને સંઘરો કર્યો હોય તો તે પ્રકારે પણ ચેતવણી અપાઇ છે. કલેકટરે 'અકિલા'ને જણાવ્યું હતું કે, ગતરાત્રે મારી પાસે ફરિયાદો આવી છે, અમે આજે તેલ બાબતે ગોઠવી રહ્યા છીએ, સાંજ સુધીમાં બધુ થાળે પાડી દેવાશે, બાકી તમામ વસ્તુ અંગે ગોઠવાઇ ગયું છે.

દરમિયાન પુરવઠા તંત્રની નજીક સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડી રાતથી જ તમામ ઓઇલમીલરો પાસે કયાં પ્રકારનું કેટલું તેલ છે, બજારમાંથી કેટલા ડબા કઇ સેવાભાવી સંસ્થા લઇ ગઇ, વિગેરે બાબતો મેળવાઇ રહી છે, બપોર બાદ દરોડાનો દોર પણ થઇ શકે છે.

દરમિયાન કલેકટરે જણાવેલ કે, અમે ૨ થી ૩ સંસ્થાને જ મંજૂરી આપી છે, તેલ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ જો મોટા પ્રમાણમાં ઉપાડાશે તો મધ્યમ વર્ગ સુધી પહોંચવી મુશ્કેલ બની જશે, આથી આ બાબતે પણ આજે જ વેપારીઓ - સંસ્થાઓને સૂચના અપાઇ જશે.

(4:06 pm IST)