Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટના પૂર્વ વિસ્તારમાં રાશનીંગ દુકાનો ઉપર લોકોના ટોળા : અનેક દુકાનો ઉપર પોલીસ બંદોબસ્ત મુકાયો

લોકો સમજ્યા વિના દોડી આવયાનો તંત્રનો નિર્દેશ : 'અકિલા'માં ગઇકાલે બરોબર મેસેજ આવ્યો'તો : હવે માઇક દ્વારા આ વિસ્તારમાં જાહેરાત કરવા અંગે વિચારણા

આજે સવારે ૮ વાગ્યાથી ડીએસઓશ્રી પુજા બાવળા અને ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા અને તેમની ટીમ દ્વારા શહેરની દરેક દુકાને વિતરણ અંગે ચેકીંગ હાથ ધર્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧ : આજથી સસ્તા અનાજની દુકાનો ઉપર પુરવઠા તંત્ર દ્વારા NFSA યોજનામાં આવતા હોય તે તમામ બીપીએલ - અંત્યોદય કે એપીએલ-૧ કાર્ડ હોલ્ડરોને ઘઉં - ચોખા વિગેરેનું કાર્ડ ઉપર નિયત કરેલા દર કે મફત નક્કી કરેલા જથ્થામાં વિતરણ કરવાનું શરૂ કરાયું છે.

પરંતુ પૂર્વ વિસ્તારમાં સામાકાંઠા ક્ષેત્રમાં સંખ્યાબંધ દુકાનો ઉપર ટોળા સ્વરૂપે રાશનકાર્ડ હોલ્ડરો દોડી આવતા તંત્રને દોડધામ થઇ પડી હતી અને અનેક દુકાનો ઉપર પોલીસ બંદોબસ્ત મુકવો પડયો હતો.

ડીએસઓ શ્રી પૂજા બાવળા તથા ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયાએ 'અકિલા'ને જણાવેલ કે, ગઇકાલે સ્પષ્ટ યાદી અમે દરેક અખબારમાં મોકલી છે કે NFSA યોજનામાં સામેલ તમામ હોલ્ડરને જથ્થો મળશે, તે પછી બીપીએલ - અંત્યોદય કે એપીએલ-૧ હોય, પરંતુ આમ છતાં જે આ યોજનામાં સામેલ નથી તે દોડી આવ્યા છે, લોકો સમજ્યા વિના દોડી આવ્યા તેના કારણે અમુક વિસ્તારમાં ટોળા થયા, હવે માઇક દ્વારા આ વિસ્તારોમાં જાહેરાત કરવા અંગે કાર્યવાહી કરાઇ છે.

ઉપરોકત બંને અધિકારીએ જણાવેલ કે, ગઇકાલે તમારા 'અકિલા'માં બરોબર મેસેજ હતો, છતાં લોકો સમજતા નથી. હાલ પૂર્વમાં થોડા ટોળા છે, પશ્ચિમ વિસ્તારની એક પણ દુકાનમાં વિતરણમાં કોઇ મુશ્કેલી નથી.

(3:58 pm IST)