Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

ડેલાસ, ટેક્સાસ ખાતેના બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળીની ઓનલાઈન ઉજવણી કરાઈ : વિવિધ હિન્દુ સમુદાયોએ સાથે મળીને દિવાળીના પાંચ દિવસ રંગેચંગે વર્ચુયલ ઉજવણી કરી

ડલાસ ટેક્સાસ : કોવિડ-૧૯ ના વૈશ્વિક સંક્રમણ વચ્ચે ડલાસ, ટેક્સાસ ખાતે આવેલા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરે વિવિધ હિન્દુ સમુદાયોએ  સાથે મળીને દિવાળીના  પાંચ દિવસની વર્ચુયલ ઉજવણી રંગેચંગે કરી હતી . સમગ્ર ઉજવણીમાં પરંપરા સાથે વ્યક્તિગત અને આધ્યાત્મિક ઉન્નતિનો સુમેળ સાધવામાં આવ્યો હતો!

દિવાળીની ઉજવણી જ્યારે સમગ્ર વિશ્વ અંધકારમાં ડૂબી ગયું હોય એવી અમાસની રાતે થાય છે. દિવાળીના દીવડાઓ દ્વારા આપણે એ અંધકારને હડસેલી છીએ અને સાથે સાથે ક્રોધ, લોભ, અહંકાર અને અસંતોષ જેવા અંધકારને પણ આપણાં જીવનમાંથી હટાવવા કૃતનિશ્ચય બનીએ છીએ. સાથે સાથે, આપણે અનેક રંગો વડે સજાવેલી રંગોળીઓ, દિવાઓ, અને પ્રભુને અર્પણ કરેલ અન્નકૂટ દ્વારા ઉજવણીને વધુ રંગીન બનાવીએ છીએ જે આપણને સમૃદ્ધ પરંપરા અને ધર્મના મૂલ્યો સમજાવે છે.

આમ તો દિવાળીની ઉજવણી માટે અનેક લોકો બીએપીએસ મંદિરમાં આવતાં હોય છે. પરંતુ, આ વર્ષે સર્વેના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા, બીએપીએસ સંસ્થા દ્વારા સમગ્ર ઉજવણી લાઈવ વિડીયો દ્વારા કરવામાં આવી હતી. વળી, સંસ્થાએ એવી પણ વ્યવસ્થા કરી હતી કે જેથી અનેક કુટુંબો ભેગાં મળી એકબીજા સાથે ઓનલાઈન ઉજવણીમાં ભાગ લઈ શકે. જેમ કે, નવા વર્ષની ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બીએપીએસ મંદિરોમાં અન્નકૂટ માટે અનેક લોકો અગણિત વાનગીઓ બનાવીને લાવતાં હોય છે. આ વર્ષે ઘણાં બધાં કુટુંબોમાં પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ અન્નકૂટ અર્પણ કરી જાણે  મંદિરમાં જ અન્નકૂટની ઉજવણી કરતાં હોય એ જ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.

આ વર્ષે મંદિરમાં કોઈ મોટી ઉજવણી નહોતી, છતાંય બીએપીએસ મંદિરમાં મર્યાદિતરૂપે દિવાળી દરમિયાન દર્શન ઉપલબ્ધ હતાં. ઉત્સવની પવિત્રતાને અનુલક્ષીને ઘણાં પરિવારો દર્શન અને પૂજા માટે આવ્યાં હતાં. કોવિડ-૧૯ સંક્રમણને ધ્યાનમાં રાખીને બીએપીએસ ચેરિટીઝ દ્વારા અન્નદાન માટે સર્વે હરિભક્તોને બગડે નહીં એવી ખાધા-ખોરાકીની વસ્તુઓ લાવવા વિનતિ કરાઇ હતી. લગભગ ૧૦૮૦ કિલોગ્રામથી વધુની સામગ્રી એકઠી થઈ હતી જે અરવિંગ કેર્સ નામની સંસ્થાને દાન કરાઇ હતી.

હિરલ પુરોહિત જેઓ એક માતા છે તેમણે જણાવ્યું હતું કે, “મને અને મારા પતિને દિવાળીનો ઉત્સવ રંગેચંગે માણવાની અનેક સ્મૃતિઓ છે, જે અમે વર્ષોથી કુટુંબીજનો, પાડોશીઓ, મિત્રો સાથે અમે બીએપીએસના સ્થાનિક શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ઊજવતાં. આ વર્ષ બહુ મોટો અપવાદ છે. જો કે, દિવાળી તો એવી જ છે. સંક્રમણને લગતી બધી સીમારેખાઓમાં રહીને, મારા કુટુંબે બીએપીએસ શ્રી સ્વામી નારાયણ મંદિરના વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં પૂરા ઉત્સાહથી ભાગ લીધો હતો, અને અમને જાણે એવું જ લાગ્યું કે ઘરમાં રહીને પણ અમે દિવાળીની બધી જ પરંપરાઓ નિભાવી! આ વર્ચ્યુઅલ ઉજવણીથી દિવાળીની પરંપરા આ વર્ષે પણ જીવિત રહી. મારી દીકરીને તો બાળકો માટેના દિવાળીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મજા પડી ગઈ હતી!”

તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:53 pm IST)