Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન વચ્ચે પ્રિપેઇડ પ્લાન વેલિડીટી વોડાફોને પણ વધારી

ફ્રી ટોકટાઈમની પણ વોડાફોન તરફથી ઓફર : કુલ ૧૦ કરોડ ફિચર ફોન યુઝર્સ ખાતામાં ૧૦ રૂપિયાનો ટોકટાઈમ ક્રેડિટ કરવાનો નિર્ણય : કરોડો ગ્રાહકોને ફાયદો

નવીદિલ્હી, તા. ૩૧ : એરટેલ અને બીએસએનએલ બાદ ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઇડિયા પણ પોતાના ગ્રાહકોની મદદમાં હવે આગળ છે. દેશમાં કોરોના વાયરસના પરિણામસ્વરૂપે દેશમાં હાલ ૨૧ દિવસ માટે લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે. આવી સ્થિતીમાં લોકોને કોઇ તકલીફ ન પડે તે હેતુથી વોડાફોને ઓછી આવકવાળા લોકોની મદદ માટે ફેંસલો કર્યો છે. વોડાફોને પોતાના તમામ પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધારવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ કંપની મફત ટોકટાઇમની પણ ઓફર કરી રહી છે. ટેલિકોમ ઓપરેટરે જાહેરાત કરી છે કે, કંપનીના તમામ પ્રિપેઇડ પ્લાનની કાયદેસરતા ૧૭મી એપ્રિલ ૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

        પ્લાનની વેલિડિટી વધવાથી વાડોફાન અને આઈડિયાના લાખો યુઝર્સને પ્લાન પ્લાન એક્સપાયર હોવાની સ્થિતિમાં પણ ઇનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે. આ ઉપરાંત ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પોતાના આશરે ૧૦ કરોડ ફિચર ફોન યુઝર્સના ખાતામાં ૧૦ રૂપિયા ટોકટાઇમ પણ ક્રેડિટ કરી રહી છે. કંપની આ ખાતરી કરવા માંગે છે કે, લોકડાઉનની સ્થિતિમાં તેના ગ્રાહકો પોતાના મિત્રો અને પરિવારની સાથે કોલ અને એસએમએસ સેવા મારફતે જોડાયેલા રહી શકે. કંપનીનું કહેવું છે કે, વેલિડિટી એક્સ્ટેન્શન અને ટોકટાઈમ ઝડપથી ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવી રહ્યા છે. વોડાફોન આઈડિયાના માર્કેટિંગ ડિરેક્ટર અવનિશ ખોસલાએ કહ્યું છે કે, આ મુશ્કેલ ભરેલી સ્થિતિમાં ગ્રાહકોને કોઇપણ અડચણ વગર સુવિધા મળે તે હેતુ રહેલો છે.

       ગ્રાહકોને કનેક્ટ રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે. અમારા નેટવર્ક પહેલાથી જ વધુ સારી કનેક્ટિવીટીની ખાતરી કરવા માટે ૨૪ કલાક કામમાં લાગેલા છે. તાજેતરમાં જ એરટેલે લો ઇન્કમગ્રુપ ગ્રાહકો માટે પોતાના પ્રિપેઇડ પ્લાનની કાયદેસરતા ૧૭મી એપ્રિલ સુધી વધારી દીધી હતી. એટલે કે વેલિડિટી ખતમ થયા બાદ પણ એરટેલ મોબાઇલ નંબર પર ઇનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે. એરટેલે દાવો કર્યો છે કે, આનાથી આઠ કરોડ લો ઇન્કમગ્રુપ ગ્રાહકોને મદદ મળશે. એરટેલે પણ પોતાના ૧૦ કરોડ પ્રિપેઇડ ગ્રાહકોને ૧૦ રૂપિયાના ટોકટાઇમ ક્રેડિટ કરવાનો નિર્ણય કર્યો છે. એરટેલને પણ લો ઇન્કમગ્રુપ માટે પહેલાથી જ જાહેરાત કરેલી છે. વોડાફોને ૧૭મી એપ્રિલ સુધી તમામ પ્રિપેઇડ પ્લાનની વેલિડિટી વધારી દેતા તેના કરોડો પ્રિપેઇડ ધારકોને ફાયદો થશે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળા વચ્ચે હાલમાં લોકો જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

(8:07 pm IST)