Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આંતરરાષ્‍ટ્રીય કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો દાવોઃ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની રસી તૈયાર કરી દીધી

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે લડત લડવા માટે હવે દેશ દુનિયાની તમામ મોટી કંપનીઓ મેદાનમાં છે. જે કડીમાં આંતરરાષ્ટ્રીય કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનનું નામ સામે આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની રસી તૈયાર કરી દીધી છે. આ રસીની ટ્રાયલ જલદી શરૂ થઈ જશે તેવી આશા છે.

એક બિલિયન રસી તૈયાર કરવાનો લક્ષ્યાંક

જ્હોન્સન એન્ડ જ્હોન્સનનું કહેવું છે કે કંપનીએ બાયોમેડિકલ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અથોરિટી (BARDA)ની સાથે મળીને જાન્યુઆરી 2020થી કોરોના વાયરસની રસી શોધવાના કામે લાગી હતી. ઊંડા રિસર્ચ બાદ કંપનીએ આ જીવલેણ વાયરસ સામે લડવા માટે રસી તૈયાર કરી છે. કંપનીનું કહેવું છે કે જલદી ટ્રાયલ પૂરી થયા બાદ સમગ્ર દુનિયામાં એક બિલિયન રસી તૈયાર કરીને વિતરણ કરશે.

અમેરિકા, ઈંગ્લેન્ડ, અને રશિયા પણ રસી લાવવાની તૈયારીમાં

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં અમેરિકા, ઈંગ્લેન્ડ અને રશિયન સરકાર પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે. અમેરિકા પોતાની રસીનું ચીન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સમાં ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં પણ રસી તૈયાર કરવાનો કાર્યક્રમ જોરશોરમાં ચાલુ છે. રશિયાએ પોતે તૈયાર કરેલી રસીનું જાનવરો પર પ્રયોગ શરૂ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી 7.85 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 37,686 લોકો આ વાયરસના કારણે દમ તોડી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.65 લાખ લોકો ઠીક પણ થયા છે.

(4:20 pm IST)