Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રસોડામાં હેન્ડ સેનિટાઇઝરથી સફાઇ કરવા જતા પુરૂષ દાઝયો

પત્નિ રસોઇ કરતી હતી ત્યારે જ હેન્ડ સેનિટાઇઝરથી ચાવી, મોબાઇલ સાફ કરવા જતાં દુર્ઘટના

નવી દિલ્હી, તા.૩૧: હરિયાણામાં આલ્કોહોલ ધરાવતાં હેન્ડ સેનિટાઇઝરથી સફાઇ કરવા જતાં એક પુરૂષ અનાયાસે આગમાં સંપર્કમાં આવતાં દાઝી ગયો હતો. હરિયાણાના રેવારી ખાતે દાઝેલા આ પુરૂષને ૩૫ ટકા બર્ન સાથે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

આ પુરૂષ ઘરમાં રસોડાંમાં જ હેન્ડ સેનિટાઇઝરથી તેની ચાવી તથા મોબાઇલ સાફ કરી રહ્યો હતો. તે જ વખતે તેની પત્ની બાજુમાં રસોઇ કરી રહી હતી. અચાનક તેના કુર્તા પર સેનિટાઇઝરના ટીપાં પડ્યાં હતાં. સેનિટાઇઝરમાંથી નીકળતી ફ્યુમે કિચનના કૂકીંગ ગેસને પકડી લીધો હતો અને કોઇ કશું સમજે તે પહેલાં કૂર્તો સળગવા માંડ્યો હતો. આ પુરૂષના ચહેરા, ગરદન, છાતીના આગળના ભાગે, પેટ તથા બંને હાથ પર ઝાળ લાગતાં તે દાઝી ગયો હતો. ૩૫ ટકા બર્ન્સ સાથે તેને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જરી વિભાગમાં તેની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું.

ઘરમાં હેન્ડ સેનિટાઇઝરના ઉપયોગમાં સાવચેતી રાખવા  તબીબોએ જણાવ્યું છે. વિશ્વભરમાં તબીબો કોરોના વાયરસનો ચેપ લાગતો ટાળવા સમયાંતરે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા જણાવે છે. પરંતુ આ સેનિટાઇઝર આલ્કોહોલ ધરાવતા હોવાથી તેના ઉપયોગમાં બહુ સાવધ રહેવાની પણ ભલામણ કરે છે. હેન્ડ સેનિટાઇઝરમાં લગભગ ૬૨ ટકા જેટલો આલ્કોહોલ હોય છે.  તેના કારણે તે બહુ જવલનશીલ પદાર્થ બની જાય છે. આથી તેનો અગ્નિના સ્ત્રોત નજીક ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જોઇએ એમ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.

(11:32 am IST)