Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શરદ પવારે ભાજપને બોલ્ડ આઉટ કર્યું : નવાબ મલિક

નીતિન ગડકરી પર ક્રિકેટની ભાષામાં પ્રહારો : શરદ પવાર આઈસીસીના પ્રમુખ રહી ચુક્યા : એનસીપી

મુંબઈ, તા. ૨૬ : મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામાબાજીના દોર વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના રાજીનામાની સાથે આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. આ આક્ષેપબાજીના દોરમાં એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીના ક્રિકેટને લઇને આપવામાં આવેલા નિવેદન ઉપર વળતા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ભાજપ નેતા નીતિન ગડકરી ભુલી ગયા હતા કે, શરદ પવાર આઈસીસીના અધ્યક્ષ રહી ચુક્યા છે અને તેઓએ તેમને ક્લિન બોલ્ડ કરી દીધા છે. નવાબ મલિકે ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ નેતા કહી રહ્યા હતા કે, ક્રિકેટ અને રાજનીતિને કોઇપણ બાબત ક્યારે પણ બની શકે છે. કદાચ તેઓ ભુલી ગયા હતા કે, શરદ પવાર આઈસીસીના અધ્યક્ષ રહી ચુક્યા છે. હવે પવારે ક્લિન બોલ્ડ કરી દીધા છે.

                   મલિકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા રાજીનામુ આપી દેવાની બાબત મહારાષ્ટ્રની પ્રજાની જીત થઇ છે. આ પહેલા ગડકરીએ શનિવારના દિવસે ફડનવીસની સાથે શપથ લીધા બાદ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજનીતિમાં કોઇપણ બાબત શક્ય રહેલી છે. સુપ્રીમ કોર્ટે આજે સવારે ફ્લોર ટેસ્ટ માટેનો આદેશ કર્યો હતો પરંતુ ફ્લોર ટેસ્ટની રાહ જોયા વગર જ ફડનવીસે બપોરે રાજીનામુ આપી દીધું હતું. ફડનવીસે મિડિયાની સામે આની જાહેરાત કર્યા બાદ રાજ્યપાલને રાજીનામુ સુપરત કરી દીધું હતું. ફડનવીસથી પહેલા અજીત પવારે પણ રાજીનામુ આપી દીધું હતું. પત્રકાર પરિષદમાં જ્યારે ફડનવીસને પ્રશ્ન કરવામાં આવ્યો કે, અજીત પવાર પાસેથી સમર્થન લેવાની બાબત અયોગ્ય નિર્ણય હતો કે કેમ ત્યારે ફડનવીસે કહ્યું હતું કે, ભુલ થઇ છે કે કેમ તે અંગે મોડેથી નિર્ણય કરીશું.

(7:35 pm IST)