Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્ર વિખવાદ : દેવેન્દ્ર ફડનવીસના રાજીનામા બાદથી આક્ષેપોનો દોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પ્રશ્નોના જવાબ આપવા જોઇએ : કોંગ્રેસ : જનમતનું અપહરણ કરનાર લોકોની લઘુમતિની પોલ ખુલી ગઈ છે : ભાજપમાં ચાણક્ય નીતિના આજ અર્થ છે : બંધારણમાં વિશ્વાસ કરનારા લોકોનો વિજય

મુંબઈ, તા. ૨૬ : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધાના માત્ર ૪૮ કલાકની અંદર હોદ્દા પરથી રાજીનામુ આપી દીધા બાદ આક્ષેપબાજીનો દોર શરૃ થઇ ગયો છે. ફડનવીસના રાજીનામા બાદ કોંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી સહિતના તમામ વિરોધ પક્ષોએ ભાજપ ઉપર પ્રહારો કર્યા છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પાસેથી જવાબની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ભાજપ પાસેથી આઠ પ્રશ્નોના જવાબની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, જનમતનું અપહરણ આગળ વધનાર લોકોની પોલ ખુલી ગઈ છે. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, ભાજપના ચાણક્ય નીતિના અર્થ પ્રજા તંત્રનું અપહરણ છે. દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને મહારાષ્ટ્રની પ્રજા પાસેથી માફી માંગવી જોઇએ. તેમની સરકાર જુઠ્ઠાણા અને પક્ષ પલટા ઉપર આધારિત હતી જે તાસના પત્તાની જેમ તુટી પડી છે.

                  સુરજેવાલાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જવાબદારી પણ નક્કી કરવાનો દિવસ રહેલો છે. આ બંનેએ જવાબ આપવા જોઇએ. મહારાષ્ટ્રમાં પ્રજાતંત્રની મજાક કેમ કરવામાં આવી છે. રાજ્યપાલનો કઠપુતળીની જેમ કેમ ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની પ્રતિષ્ઠાને કેમ નુકસાન કરવામાં આવ્યું છે. દેશના મંત્રીમંડળને વિકલાંગ બનાવવાનું કામ કેમ કરાયું છે. હોર્સ ટ્રેડિંગ અને પક્ષ પલટાની રમત કેમ થઇ છે. એક લઘુમતિની સરકાર બન્યા બાદ પણ આટલા દિવસ સુધી ડ્રામાબાજી કેમ ચાલી છે. ભ્રષ્ટાચારના કેસ પરત કેમ લેવામાં આવ્યા છે. બંધારણની મજાક કેમ કરવામાં આવી છે. આ તમામ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બંધારણ દિવસ પર બંધારણને માનનાર લોકોની જીત થઇ છે અને ઇન્કાર કરનાર લોકોની કારમી હાર થઇ છે. તેમણે કહ્યું હતું કે, ખાસ બંધારણ શક્તિના દુરુપયોગ માટે મોટી જવાબદારી લઇને અન્યોને પણ રાજીનામુ આપી દેવું જોઇએ. પશ્ચિમ બંગાળના વિધાનસભા અધ્યક્ષે કહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનું રાજીનામુ લોકશાહીની ખુબસુરતીને રજૂ કરે છે પરંતુ કેટલાક રાજ્યપાલ સમાંતર વહીવટીતંત્ર ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ અજીત પવારે પણ રાજીનામુ આપી દીધા બાદ સંજય રાવતે કહ્યું હતું કે, મહાવિકાસ અઘાડીની આ મોટી જીત થઇ છે.

(7:34 pm IST)