Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વ્યાપમ કૌભાંડ ૩૦ આરોપીઓને સાત-સાત વર્ષની સજાઃ૧ને ૧૦ વર્ષ

પહેલી એવી ઘટના જેમાં CBI કોર્ટે એક સાથે ૩૧ લોકોને સજા ફટકારી હોય

ભોપાલ, તા.૨૬: દેશના બહુચર્ચિત વ્યાપમ સ્કેમના પોલીસ રિક્રુટમેન્ટ કૌભાંડમાં સીબીઆઇની ખાસ કોર્ટે સજા જાહેર કરતા ૩૧માંથી ૩૦ આરોપીએ સાત-સાત વર્ષની સજા ફટકારી છે. જયારે આ મામલાના મિડલમેન પ્રદીપ ત્યાગીને ૧૦ વર્ષની સજા કરવામાં આવી છે. આ મામલાની સુનવણી ૨૦૧૪થી ચાલતી હતી. સીબીઆઇના ખાસ જજ એસબી સાહૂએ ૨૧ નવેમ્બરના રોજ તમામ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. મામલાની તપાસમાં આરોપીઓ પર પરીક્ષામાં મોટાપાયે કૌભાંડ કરવાના આરોપ લાગ્યા હતા.

એસટીએફને માહિતી મળી હતી કે ભર્તી પરીક્ષામાં પરીક્ષાર્થીઓની જગ્યાએ અન્ય લોકો પરીક્ષા આપી રહ્યા હતા. આ માહિતીને આધારે એસટીએફની અલગ-અલગ ટીમે ભોપાલ અને દતિયાના પરીક્ષા કેન્દ્રો પરથી ૬-૬ અલગ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ બીજા પરીક્ષાર્થીઓની જગ્યાએ પરીક્ષા આપી રહ્યા હતા. આ મામલે ૧૨ અરજીકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલી એવી દ્યટના છે જયાં સીબીઆઇ કોર્ટે એકસાથે ૩૧ લોકોને સજા ફટકારી હોય. કોર્ટે તમામ આરોપીઓને ૧૨૦બી, ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ એકટ હેઠળ સજા કરી છે.

વ્યાપમ કૌભાંડમાં ઇન્દોરના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા પછી એસટીએફને તપાસ સોંપવામાં આવી હતી. વ્યાપમ મામલે એસટીએફની આ પહેલી FIR હતી. જેના થોડા સમય પછી સુપ્રીમ કોર્ટના આદેશથી વ્યાપમ કૌભાંડની તપાસ સીબીઆઇના હસ્તક કરવામાં આવી હતી. સીબીઆઇએ તપાસ દરમિયાન ૩૧ લોકોની ધરપકડ કરતા ૨૦૧૪માં સુનવણી શરુ કરવામાં આવી હતી. પાંચ વર્ષ સુનવણી ચાલ્યા પછી ૨૦૧૭માં આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

(11:40 am IST)