Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભાજપના નેતાઓ તથા રાજયપાલે કોંગ્રેસને ફેંકેલા પડકારને આપણે ભરી પીવો છે : પટેલ

ગુપ્ત શપથગ્રહણ કરીને ભાજપે તમામ બેશરમી પાછળ છોડી, કાળો દિવસ : અહેમદભાઇ : મેરીયટ હોટલ ખાતેની બેઠકમાં હાજર રહ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ધારાસભ્યોનો જુસ્સો વધાર્યો

મુંબઇ, તા. ર૬ : મહારાષ્ટ્રમાં ભાજપે શનિવારે સવારે અચાનક સરકારની રચના કરતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસને આઘાત લાગ્યો હતો. હવે ત્રણેય પાર્ટીઓ તેમના ધારાસભ્યોને પક્ષાંતર કરવાથી બચાવવામાં લાગી ગઇ છે. શરદ પવારે એનસીપીના ધારાસભ્યોને મુંબઇના પવઇ ખાતે આવેલી રેનેસા હોટલમાં ખસેડયા તો કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો માટે જે.ડબ્લ્યુ. મેરિયટ હોટલ નવું ઠેકાણું બની છે. અહીંના એક વીડીયોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ ભાજપે આપેલા પડકાર સામે ધારાસભ્યોને એકજૂટ રહેવા સમજાવી રહ્યા છે. અહમદ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને કહ્યું હતું કે, જેવું તમે બધા જાણો છો કે આપણે અહીં પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. ૩૦ નવેમ્બરે આપણે ફરી એકવાર જીતીશું. આ જરૂરી છે અને આ નિશ્ચિત પણ છે. તેમણે આગળ કહ્યું હતું કે, ફકત મુખ્યમંત્રીએ આપણને પડકાર નથી ફેંકયો, પરંતુ રાજયપાલ અને કેન્દ્ર સરકાર, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ આપણને હટાવવાની ખૂબ જ જરૂરી છે. આથી કોઇપણ સંજોગોમાં આપણે એકજૂટ રહેવું પડશે અને આપણો જુસ્સો ટકાવી રાખવો પડશે. અહમદ પટેલે કહ્યું હતું કે, આપણે એકજૂટ અને સંગઠીત બનવું જ પડશે. આપણે આપણું મનોબળ ટકાવી રાખવું પડશે અને કયાંય પણ આપણી નબળાઇ ન દેખાય તેનું ધ્યાન રાખવું પડશે. આપણે એકજૂટ થવું જ પડશે કારણ કે, ભાજપે આપણને પડકાર આપ્યો છે. આ વીડીયોમાં કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સુશીલકુમાર શિંદે અને કે.સી. વેણુગોપાલ પણ અહમદ પટેલની બાજુમાં બેઠેલા નજરે પડે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે શનિવારે કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે 'ગુપ્ત' રીતે લીધેલા શપથને રાજયનાનાં ઇતિહાસમાં કાળી શાહીથી લખવામાં આવશે. પટેલે આક્ષેપ કર્યો હતો કે ભાજપે બેશરમીની બધી હદો વટાવી દીધી છે અને ભગવા પાર્ટીએ એનસીપી અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને સરકાર બનાવતા લોકશાહી ભાંગી પડી છે. પટેલે આ પણ યાદ અપાવ્યું હતુંકે, રાજયપાલ ભગતસિંઘ કોશ્યારીએ ભાજપ, શિવસેના અને એનસીપી પછી કોઁગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું ન હતું અહમદ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ગુપ્ત રીતે શપથ લેતાં કોઇ ઉજવણી કરવામાં આવી ન હતી કે સરઘસ કાઢવામાં આવ્યું ન હતું. આ ઘટનાને મહારાષ્ટ્રના ઇતિહાસમાં કાળી શાહીથી લખવામાં આવશે. તેમણે આ પણ કહ્યું હતું કે, અજીત પવારે રાજયપાલને સોંપેલી ધારાસભ્યની યાદીની ચકાસણી કરવામાં આવી ન હતી અને રાજયપાલે બીજા કોઇપણ વ્યકિત જોડે વાત કરી ન હતી, પટેલે કહ્યું હતું કે, હું આ જેવી રીતે ચૂપચાપ શપથ લેવામાં આવી તે જોઇને હું કહી શકું છુ કે કશું ખોટુ થયું છે. તેમણે બેશરમીની બધી હદો વટાવી દીધ ીછે. અહમદ પટેલે આ આક્ષેપોને પણ ફગાવી દીધા હતા કે એનસીપી અને શિવસેના સાથે મળીને ગઠબંધન સરકાર રચવામાં કોંગ્રેસે વિલંબ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ આક્ષેપો પાયાવિહોણા છે.

 

(11:39 am IST)