Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આયુર્વેદને કોરોના ફળ્યું: દર વર્ષે ૨૦ કરોડની ઔષધિ વેચાતી આ વર્ષે વેચાણ વધીને ૫૦ કરોડે પહોંચ્યું

ગળો, ઘનવટી, મહાસુદર્શનનું સૌથી વધુ વેચાણ

રાજકોટઃ કોરોનાના સમયમાં એકબાજુ એલોપથી દવામાં પેરાસીટામોલ, એન્ટીબોયોટીકસ, વિટામિન સી, ડી, વગેરેની માંગ ખૂબ વધી છે ત્યારે બીજી બાજુ આયુર્વેદિક દવાની માંગમાં પણ ખૂબ વધારો થયો છે, આયુર્વેદમાં સૌથી વધુ માંગ વધી હોય તો તે છે ગળો, આ ઉપરાંત અશ્વગંધા, કડુ, મધ, વરિયાળી, તજ,લવિંગ,જેવા હર્બલ તત્વોની ડિમાન્ડ ખૂબ વધી છે. જે રીતે એલોપથીમાં દવાની ટીકડીની માંગમાં વધારો જોવા મળ્યો તેમ આયુર્વેદમાં કવાથ, ઘનવટી, કાઢા, વગેરેની માંગ પણ પ્રમાણમા ખૂબ વધી હોવાની વાત સામે આવી છે. દરવર્ષે ૨૦ કરોડનો થતો વકરો આ વર્ષે ૫૦ કરોડને પાર પહોચી ગયો છે.

કોરોનાના સમયમાં લોકો એલોપથી અને આયુર્વેદની સાથે સાથે હોમિયોપેથી તરફ પણ વળ્યા હતા. સૂત્રોની માહિતી અનુસાર આ વર્ષે એલોપેથીની સાથેસાથે આયુર્વેદ ઈન્ડસ્ટ્રીએ પણ કમાણી કરી છે. કોરોનાની મહામરીને ધ્યાને લઈને લોકો પાણી પહેલા પાળ બાંધવા માટે આયુર્વેદનો સહારો લેતા થયા છે. આયુર્વેદમાં ગળો ઘનવટી, મહા સુદર્શન ઘનવટી સૌથી વધુ વેચાઈ છે, આયુર્વેદ સ્ટોરમાં રોજના વેચાણમાં આ દવાઓની વધુ માંગ રહે છે.

કોરોના સામે લડવા ત્રીફલા, હળદર, સુંઠ, મરી પીપર, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ જેવા આયુર્વેદિક ઔષધોનું સેવન વધ્યું છે. ઇમ્યુનિટી વધારવાની લ્હાયમાં લોકો રોજ નવું નવું ટ્રાય કરે છે પરંતુ કોઈપણ દવા  હોય પ્ર્મંભાન ભૂલાયું એટ્લે શરીર માટે દવા કરતાં દર્દ વધારી શકે છે.

(3:27 pm IST)