Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વર્ષ ૧૯૯૮ બાદ પ્રથમવાર મમતા બેનર્જીના ગઢમાં મોટા ગાબડાં

આગામી સમયમાં વધુ નેતા ભાજપમાં જોડાઈ શકે છે : જેમની સાથે બેસીને દીદી રાજકારણની મહત્વની ચર્ચા કરતા હતા તે નેતાઓ હવે પાર્ટીને અલવિદા કહી રહ્યા છે

ચેન્નાઈ, તા. ૨૦ : ભારતમાં દર વર્ષે દેશમાં કોઈને કોઈ ભાગમાં લોકતંત્રનો તહેવાર ચાલતો હોય છે. ૨૦૨૦માં બિહારમાં ચૂંટણી યોજાઈ, જેમાં એનડીએએ બાજી મારી. જોકે, બિહારની ચૂંટણી દર વખત જેવી નહોતી, એનડીએએ સત્તા હાંસલ કરવા માટે ભારે મહેનત કરવી પડી. હવે ૨૦૨૧માં સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી છે. ડાબેરીઓના દાયકાઓ સુધીના રાજ બાદ મમતા બેનર્જીએ આવીને રાજકારણમાં મોટા ફેરફાર કર્યા અને ત્યારથી તેઓ સત્તા પર છે. પરંતુ મમતા દીદીને હવે પરેશાની થતી હશે, કારણ કે તેમના સાથી તેમનો સાથ છોડી રહ્યા છે.

સફેદ સાડી, ચહેરા પર તેજ અને ઝડપી ચાલ. આ મમતા બેનર્જીની ઓળખ છે. મમતા બેનર્જી ઘણાં જિદ્દી અને ઝુક્યા વગર બોલનારા વ્યક્તિ છે. તેમને આ આ તાકાત તેમના શિક્ષક અને સ્વતંત્ર સેનાની પિતા પાસેથી મળી છે. ૧૯૯૮માં કોંગ્રેસનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસની રચના કરીને માત્ર ૧૩ વર્ષની અંદર રાજ્યમાં દાયકાઓથી વર્ચસ્વ બનાવીને બેઠેલી સરકારને ઉખાડી દીધી અને તેમની પાર્ટી સત્તામાં પહોંચી.

મમતા બેનર્જી ભલે એ કહેતા હોય કે તેમના નેતાઓના જવાથી કોઈ ફરક નહીં પડે પરંતુ તેમને પીડા જરુર થતી હશે. જેમની સાથે બેસીને તેઓ રાજકારણની ચર્ચા કરતા હતા, તેઓ જ હવે તેમના પર આરોપ લગાવી રહ્યા છે. પરંતુ આ બધું એક દિવસમાં નથી થયું. આના માટે ક્યાંકને ક્યાંક મમતા બેનર્જી જવાબદાર છે. સ્થાનિક સૂત્રો અને ટીએમસીના બળવાખોર નેતાઓનું માનીએ તો તૃણમૂલના મંત્રીઓ, ધારાસભ્ય, સાંસદો અને જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું એક ગૃપ તેમના ભત્રિજા અભિષેક બેનર્જી અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને નારાજ છે. તેમના નેતાઓનો આરોપ છે કે આ બન્ને પાર્ટીને પોતાની રીતે ચલાવી રહ્યા છે. ભાજપના રણનીતિકાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રવાસ પર છે. તેઓ ૧૮ તારીખની મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા અને આજે તેમના બંગાળના પ્રવાસનો અંતિમ દિવસ છે. પરંતુ તેમણે પહેલા જ દિવસે પોતાની તાકાતનો અહેસાસ કરાવી દીધો. જે રીતે ભાજપનો ગ્રાફ બંગાળમાં વધી રહ્યો છે તેને જોતા અંદાજ આવી શકે છે કે બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો કંઈક અલગ હશે.

તૃણમૂલ કોંગ્રેસે એક દિવસમાં સૌથી વધુ નેતાઓએ પાર્ટી છોડવાનો ઘટનાક્રમ શનિવારે તોડ્યો, જેમાં નેતા શુભેન્દ્રુ અધિકારી અને ૫ ધારાસભ્ય અને એક સાંસદ સહિત ૩૪ નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો ઝંડો ઉચકી લીધો. શાહે આ પ્રસંગે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી આવતા સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જી પાર્ટીમાં એકલા જ રહી જશે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આશંકા વ્યક્ત કરી કે આવનારા સમયમાં વધુ નેતા ભાજપમાં જોડાઈ શકે છે.

તૃણમૂલ કોંગ્રેસના સૂત્રો મુજબ ૧૯૯૮માં મમતા બેનર્જીએ કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસ નવી પાર્ટી બનાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સૌથી વધુ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પાર્ટીને અલવિદા કહ્યું છે. પાછલા વર્ષે લોકસભા ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસના ૧૦ ધારાસભ્ય તથા કોંગ્રેસ અને માકપાના એક-એક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે.

(12:00 am IST)