Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કોરોનાઃ મહિલા કરતા પુરુષોને જીવનું જોખમ ૩૦ ટકા વધારે

અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરાયો : ક્લીનિકલ ઇન્ફેક્શન ડિઝિસના અભ્યાસ અનુસાર પુરૂષ દર્દીઓ ડાયાબિટિસ, બીપી, મોટાપાથી ગ્રસ્ત હોય છે

બોસ્ટન, તા. ૨૦ : કોવિડ-૧૯ સંક્રમણને કારણે સમના ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ વાળી મહિલાઓની તુલનામાં પુરૂષોમાં જીવનું જોખમ ૩૦ ટકા વધુ હોય છે. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. 'ક્લીનિકલ ઇન્ફેક્શન ડિઝિસ' પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર કોવિડ-૧૯થી સંક્રમિત પુરૂષ દર્દીઓ જો ડાયાબિટિસ, બ્લડપ્રેસર કે મોટાપાથી ગ્રસ્ત છે તો તેને જીવનું જોખમ વધુ હોય છે.

રિસર્ચમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન (યૂએમએસઓએમ)ના વૈજ્ઞાનિકોએ દેશભરની ૬૧૩ હોસ્પિટલોમાં દાખલ કોવિડ-૧૯ના આશરે ૬૭,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યો છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું કે, પહેલાથી મોટાપો, હાઇ બ્લડપ્રેશર કે ડાયાબિટિસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલ કોવિડ-૧૯થી સંક્રમિત ૨૦થઈ ૩૯ વર્ષની ઉંમરના રોગીઓને પોતાના સ્વસ્થ સાથીઓની તુલનામાં જીવનું જોખમ વધુ હતું.

અભ્યાસના લેખક એંથની ડી હેરિસે કહ્યુ કે, આ તમામ જાણકારીઓથી સંક્રમિત રોગીઓની સારવારમાં મદદ મળી શકે છે. મહત્વનું છે કે વિશ્વમાં કોરોના વાયરસના કેસ હજુ પણ ઝડપથી વધી રહ્યાં છે. વર્લ્ડોમીટર અનુસાર, અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાયરસના ૭૬,૭૦૦,૩૫૫ કેસ સામે આવ્યા છે, જ્યારે ૧,૬૯૩,૪૪૦ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. હજુ પણ કોરોના વાયરસના કેસ મુદ્દે અમેરિકા પ્રથમ સ્થાને છે.

(12:00 am IST)