Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વાહ ભૈ વાહ... કરીયાણાની દુકાન - રેસ્ટોરન્ટ ખોલવાનું હવે સરળ બનશે

કેન્દ્ર સરકાર કલીયરન્સની સંખ્યાને ઘટાડવા ગંભીરતાથી વિચારે છેઃ આમ આદમી સરળતાથી ધંધો શરૂ કરી શકે તેવી સીસ્ટમ અમલમાં મુકવા તૈયારીઃ હાલ કરીયાણાનો સ્ટોલ ખોલવા ૨૮ તો રેસ્ટોરન્ટ ખોલવા ૧૭ કલીયરન્સની જરૂર પડે છેઃ આ કલીયરન્સની ઝંઝટ ઘટાડાશેઃ રીટેલર્સ અને રેસ્ટોરન્ટને લાયસન્સ રીન્યુ ન કરાવવુ પડે તેના પર પણ વિચારણા થઈ રહી છે

નવી દિલ્હી, તા. ૨૦ :. ગ્રાસરૂટ લેવલ એટલે કે સાવ તળીયેથી બીઝનેશ-વેપાર કરવાનું સરળ બને તેના પ્રયાસ સ્વરૂપે સરકાર કરીયાણાનો સ્ટોર કે રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી માટે એપ્રુવલની સંખ્યા ઘટાડવા માંગે છે એટલે કે ઓછી ઝંઝટથી, ઓછા કાગળોથી અને ઓછા ધક્કાથી આ ધંધો શરૂ કરવા માટેની મંજુરી મળી જશે. અત્રે નોંધનીય છે કે, હાલ કરીયાણાનો સ્ટોર શરૂ કરવામાં ૨૮ કલીયરન્સની જરૂર પડે છે જેમાં જીએસટીથી રજીસ્ટ્રેશનથી લઈને શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એકટ હેઠળ લાયસન્સ લેવાની સાથે સાથે વેટ અને મેજર ડિપાર્ટમેન્ટ પાસેથી કીટનાશક અને બીજી ચીજો માટે પરવાનગી લેવી પડે છે. આ જ રીતે ધાબા કે રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે લગભગ ૧૭ પ્રકારની મંજુરી લેવી પડે છે. જેમાં ફાયર માટે એનઓસી, નિગમ પાસેથી કલીયરન્સ અને મ્યુઝીક પ્લે કરવા માટે લાયસન્સની જરૂર પડે છે. આ સિવાય ફુડ રેગ્યુલેટર પાસેથી પણ કલીયરન્સની જરૂર પડે છે. જે હાઈપર લોકલ હોય શકે છે અને તે અલગ અલગ શહેરના હિસાબથી અલગ અલગ હોય શકે છે. સરકાર પાસે સિંગલ વિંગો સિસ્ટમ લાગુ કરવાની માંગણી થઈ રહી છે કે જેથી સામાન્ય લોકો માટે વેપાર કરવાનું સરળ થાય.

 

અત્રે એ નોંધનીય છે કે ચીન અને સિંગાપોર જેવા દેશોમાં રેસ્ટોરન્ટ ખોલવા માટે માત્ર ચાર કલીયરન્સ જ લેવા પડે છે. સરકાર હવે આ ઉદ્યમીઓ માટે આ પ્રક્રિયાની સરળ બનાવવા માંગે છે કે જેથી ભારત ઈઝ ઓફ ડુઈંગ બીઝનેશ (બીઝનેશ માટે સરળ જગ્યા) રેન્કીંગમાં ગ્લોબલી ટોપ ૫૦માં પોતાનુ સ્થાન મેળવી શકે.

 

નેશનલ રેસ્ટોરન્ટસ એસોસીએશન ઓફ ઈન્ડીયાએ અગાઉના કાયદાઓનો હવાલો આપતા કહ્યુ છે કે, રેસ્ટોરન્ટ માલિકો માટે એક મોટી અડચણ છે. ઉદાહરણ તરીકે એક સબ-વે રેસ્ટોરન્ટને પાટનગરમાં એક સેન્ડવીચ વેચવા માટે પોેલીસને લગભગ ૨૪ દસ્તાવેજો જમા કરાવવા પડે છે. જ્યારે એક હથીયારને સરકારી નિયમોથી ખરીદવા માટે માત્ર ૧૩ દસ્તાવેજો જ આપવા પડે છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યુ છે કે કરીયાણાની દુકાન ખોલવા માટે અનેક નિયમો અને શરતો લાગુ છે અને તેને ઘટાડવાનો વિચાર થઈ રહ્યો છે. આ સિવાય ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીટેલ ટ્રેડ લાયસન્સ રીન્યુ કરવાની પ્રક્રિયા સમાપ્ત કરવા પણ વિચાર કરી રહ્યુ છે. આવુ કરવાનો હેતુ નાના વેપારીઓને તેમની દુકાનો અને રેસ્ટોરન્ટ ચલાવવામાં મદદ કરવાનો છે કે જેથી તેમણે વારંવાર સરકારી કાર્યાલયોમાં ઈન્સ્પેકટરોની આગળ પાછળ ચક્કર લગાવવા ન પડે.

નેશનલ રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ અને બીયર કાફેના ફાઉન્ડર તથા સીઈઓ રાહુલ સિન્હાનું કહેવુ છે કે સરકાર તરફથી ઉઠાવવામાં આવતુ આ એક સારૂ પગલુ છે. શું આપણે રાષ્ટ્રીય સ્તર પર ડીઝીટલ રીતથી બીઝનેશ કરવા માટે રેસ્ટોરન્ટ માટે એક યુનિફોર્મ કોડ મળી શકે છે ? હાલ અમને એક દિવસમાં માત્ર ફોટો કોપી જ મળે છે. માત્ર દરેક રાજ્ય જ નહિ દરેક શહેરોમાં નિગમના રેસ્ટોરન્ટ માટે અલગ અલગ નિયમો હોય છે. દરેક શહેરમાં આગ ફાયર વિભાગ પાસેથી કલીયરન્સની જરૂર પડે છે પરંતુ રેસ્ટોરન્ટ માટે ટુરીઝમ ડિપાર્ટમેન્ટનું કલીયરન્સ લેવાનો શું મતલબ છે ?

(11:59 am IST)