Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મોદી ૨૦મીએ દેશના ખેડૂત સાથે વિસ્તૃત વાતચીત કરશે

નમો એપ અને અન્ય માધ્યમ દ્વારા વાતચીત થશે : ભાજપ કિસાન મોરચાના પણ કાર્યક્રમો : અમિત શાહ પણ જોડાશે : લોકસભાની ચૂંટણીને લઇને ભાજપની તૈયારીઓ

અમદાવાદ, તા.૧૮ : લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસંપર્ક સાથે સંબંધિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આના ભાગરુપે આગામી દિવસોમાં પણ અનેક કાર્યક્રમો યોજાનાર છે. મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જૂનના દિવસે દેશભરના ખેડૂતો સાથે નમો એપ અને અન્ય માધ્યમો મારફતે વાતચીત કરશે. આ ઉપરાંત ભાજપ કિસાન મોરચા તરફથી રાજ્યભરમાં શક્તિ કેન્દ્રો પર ખેડૂતોની સાથે સમૂહમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોને સમૂહમાં સાંભળવામાં આવશે. બીજી બાજુ ૨૧મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણીને પણ ભવ્ય રીતે ઉજવવા ભાજપ દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરુપે રાજ્યભરમાં પાર્ટી કાર્યકરો મંડળ અને જિલ્લા સ્તર સુધી કાર્યક્રમોમાં ભાગ લેશે. વધુને વધુ લોકોનો સંપર્ક કરવાના હેતુસર આ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે. ૨૩મી જૂનના દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના દિવસે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૪મી જૂનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકો સાથે મન કી બાત કરનાર છે. આ કાર્યક્રમને પણ લોકોની વચ્ચે સાંભળવા માટે ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી છે. આવી જ રીતે ૨૪ અને ૨૫મી જૂનના દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠમાં ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહની ઉપસ્થિતિમાં ૨૬મી જૂનના દિવસે અન્ય એક કાર્યક્રમ પણ યોજાનાર છે. જુદા જુદા સમુદાયના લોકોને સન્માનિત કરવા સાથે સંબંધિત કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે.

(8:47 pm IST)