Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ઉત્તરપ્રદેશના બુલંદશહેરના પરિવારની પુત્રીને ધો.૧૨માં ૯૮ ટકાઃ અમેરિકાની બોબસન કોલેજમાં અભ્યાસ માટે રૂપિયા ૩.૮ કરોડની સ્‍કોલરશીપ મળી

બુલંદશહેરઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં રહેવાવાળી સુદીક્ષા ભાટીને અમેરિકાના પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે ફુલ સ્કોલરશિપ મળી છે. 12મી CBSEમાં 98 ટકા લાવીને સમગ્ર જીલ્લામાં ટોપ કરવાવાળી સુદીક્ષા માટે આ બધુ જરા પણ સહેલું નહોતું. એક તો તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. જ્યારે તેના પિતા ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આજના સમયમાં ભણતરનો ખર્ચ તેના માટે ખૂબ મોટી વાત હતી.

પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક રુઢિચુસ્તતાના તમામ બંધન તોડીને સુદીક્ષાએ ન ફક્ત ભણવાનું ચાલુ રાખ્યું પરતું અમેરિકામાં ભણવાનું પોતાનું સપનું પણ પૂરુ કરવા મહેનત કરી અને આજે તેનું સપનું પૂર્ણ થયું છે. અમેરિકાની બોબસન કોલેજે સુદીક્ષાને 4 વર્ષ માટે ભણવા માટે 3.8 કરોડની સ્કોલરશિપ આપી છે.

પોતાની આ ઉપલબ્ધી પર સુદીક્ષા કહે છે કે પહેલા તો મારા માટે ભણવાનું સપનું શક્ય જ નહોતું. જોકે 2011માં અને વિદ્યાદાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળી ગયું અને પછી મારા માટે સપનું પૂરુ કરવાનું શક્ય બન્યું. આ સ્કૂલમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના નબળા તબક્કાના છોકરા ભણવા આવે છે અને મને પણ મોકો મળ્યો. શરુઆતમાં તો મારા પરિવાર અને સંબંધીઓના મારા આ પગલા સામે વિરોધ હતો. પરંતુ મારા માતા-પિતા મારી સાથે હતા અને સતત મને પ્રોત્સાહિત કરતા હતા.

અમેરિકાના જવાના પોતાના સપના અંગે કહે છે કે, ‘સ્કોલરશિપ અંગે જાણીને મારી મમ્મી સૌથી વધુ ખુશ થઈ હતી. તેમને લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી છે. મારા પપ્પાએ શરુઆતમાં બીજા દેશમાં જઈને ભણવા અંગે થોડી શંકા જરુર કરી હતી. જોકે મે તેમને સમજાવ્યા કે અમેરિકા જઈને ભણવાથી મને મારી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા મળશે. મને ખુશી છે કે આટલી નબળી આર્થિક સ્થિતિ વચ્ચે પણ હું મારુ સપનું પૂર્ણ કરી શકી.સુદીક્ષા તમામ લોકોને એટલું જ કહેવા માગે છે કે પોતાનું સપનું પૂરુ કરવા માટે મહેનત કરવાનું બંધ કરવું જોઈએ નહીં.

(6:37 pm IST)