Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ડોલર સામે રૂપિયો વધુ ધોવાયો : બે ટ્રેડીંગ સેશનમાં રૂપિયો ૫૪ પૈસા ડાઉન

એક તબક્કે રૂપિયો ૬૮.૧૬ પર પહોંચ્યો

મુંબઇ તા. ૧૮ :  આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો બાર પૈસા તૂટ્યો હતો. રૂપિયો ૬૮.૧૩ની સપાટીએ ખૂલ્યો હતો. શરૂઆતે એક તબક્કે રૂપિયો ૬૮.૧૬ની સપાટીએ પણ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. પાછલા સપ્તાહે શુક્રવારે રૂપિયો ૩૯ પૈસા તૂટી ૬૮.૦૧ના મથાળે બંધ નોંધાયો હતો.

આમ બે ટ્રેડિંગ દિવસમાં ડોલર સામે રૂપિયો ૫૪ પૈસા તૂટ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઇ તો બીજી બાજુ ક્રૂડના ઊંચા ભાવના પગલે રૂપિયાનું ધોવાણ થતું જોવા મળ્યું છે અને ફરી એક વાર રૂપિયો ૬૮ની સપાટી તોડી નીચે જોવા મળ્યો છે.

ખાસ કરીને ઊભરતા બજારોમાં તેની વધુ અસર જોવા મળી છે. ઇટાલીની યુરો ઝોનમાંથી બહાર નીકળવાની ગતિવિધિના પગલે રૂપિયા પર દબાણ વધ્યું છે તો બીજી બાજુ નિકાસ કરતા આયાત વધુ જોવા મળી છે અને તેને કારણે પણ રૂપિયા પર પ્રેશર વધ્યું છે.

બેન્કો દ્વારા ક્રૂડના ઊંચા ભાવના પગલે ડોલરમાં ખરીદીનું આકર્ષણ વધ્યું છે એટલું જ નહીં આયાતકારો દ્વારા પણ ડોલરની ખરીદી વધતી જોવા મળી છે અને તેના પગલે રૂપિયો સતત તૂટી રહ્યો છે. આરબીઆઇએ વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યા બાદ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરાતા રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું છે.

(4:01 pm IST)