Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બિહારમાં દારૂબંધીની ઇફેકટ : સાડી, મધ, દૂધ અને ચીઝનું વેચાણ વધ્યું

૧૯ ટકા પરિવારોએ આલ્કોહોલના ખર્ચની બચતમાંથી મિલ્કતો વસાવી, મહિલાઓનું માન વધ્યું, ગંભીર ગુનામાં થયો ધરખમ ઘટાડો

પટણા, તા.૧૮: બિહારમાં દારૂબંધીની પ્રથમ છ મહિનામાં મોંઘી સાડીઓનું વેચાણ વધ્યું છે અને આહારમાં દૂધ, છાશ, લસ્સી, ચીઝ તથા મધનો વપરાશ ખૂબ વધ્યો હોવાનું એશિયન ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિયૂટ (ADRI) તથા સરકારી ભંડોળથી ચાલતી ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ (DMI) ના અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે.

ADRI અને DMI ના અભ્યાસોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે મોંઘી સાડીઓનું વેચાણ ૧૭પ૧ ટકા, મધનું વેચાણ ૩૮૦ ટકા અનેે ચીઝનું વેચાણ ૨૦૦ ટકા વધ્યું છે. બિહારના ૧૯ ટકા પરિવારોએ આલ્કોહોલના ખર્ચની બચતમાંથી મિલકતો વસાવી છે. ર૦૧૬ના એપ્રિલ મહિનાથી અમલમાં આવેલી દારૂબંધીની અસરો જાણવા માટે રાજય સરકારે બન્ન અભ્યાસો  કરાવ્યા હતા.

અભ્યાસોમાં છાશનું વેચાણ ૪૦ ટકા, સુગંધી દૂધનું વેચાણ ૨૮.૪ ટકા અને લસ્સનું વેચાણ ૧૯.૭ ટકા વધ્યું હોવાનું નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત મોંઘાં ડ્રેસ-મટીરિયલ્સનું વેચાણ ૯૧૦ ટકા, પ્રોસેસ્ડ ફૂડનું વેચાણ ૪૬ ટકા, ફર્નિચરનું વેચાણ ૨૦ ટકા તેમજ સ્પોર્ટસ ગુડસનું વેચાણ ૧૮ ટકા વધ્યું છે.

ADRI એ વેચાણવેરાની આવકના આધારે વિવિધ ગ્રાહકોપયોગી વસ્તુઓના વેચાણના આંકડા મેળવ્યા હતા. DMI એ પણ આર્થિક બાબતોમાં દારૂબંધીની નોંધપાત્ર અસરો થઇ હોવાનું જણાવ્યું હતું. DMI નો અભ્યાસ બિહારના પાંચ જીલ્લાના ૨૩૬૮ પરિવારોની પ્રાથમિક વિગતો પર આધારિત છે. એ પરિવારો દારૂબંધી પહેલાં દર અઠવાડિયે ખાનપાન માટે ૧૦૦પ રૂપિયાનો ખર્ચ કરતા હતા, પરંતુ દારૂબંધી પછી ખાનપાન માટે એમનો દર અઠવાડિયાનો  ખર્ચ ૩૨ ટકા વૃદ્વિ સાથે ૧૩૩૧ રૂપિયા નોંધાયો હતો.

સર્વેક્ષણમાં પ૮ ટકા મહિલાઓએ પરિવારમાં વધારે માન મળતું હોવાનું અને ઘરના નિર્ણયો લેવામાં તેમની વધારે ભૂમિકા રહેતી હોવાનું જણાવ્યું હતું. બાવીસ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે ફકત પરિવારના જ નહિં, તેમના ગામ મંતવ્યને મહત્વ આપવામાં આવે છે.

ADRI અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે બિહારમાં દારૂબંધી પછી અપહરણ અને ખંડણીના અપરાધોમાં ૬૬.૬ ટકા ઘટાડો થયો છે. એ રીતે હત્યાના ગુનાના પ્રમાણમાં ૨૮.૩ ટકા અને લૂંટ-ધાડ પાડવાના કેસોમાં ૨.૩ ટકા ઘટાડો નોંધાયો છે.

(3:41 pm IST)