Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

તનાવ મુક્ત રહેવા માટે વય વધે તેમ જવાબદારીઓ ઘટાડતા શીખવું જોઈએ - સમણ શ્રુતપ્રજ્ઞજી

ફ્રિમોન્ટ અને લાસ વેગાસમાં સમણ શ્રુતપ્રજ્ઞજીની વ્યાખ્યાનમાળા

કેલિફોર્નિયાના ફ્રિમોન્ટ શહેરમાં સમણ શ્રુતપ્રજ્ઞજીએ તા. 11 થી 14 જૂન સુધી જીવનની સમજણ અંતર્ગત છ વિષયો પર પ્રવચનો આપ્યા હતા. ચર્ચાના વિષયો હતા - મનથી પરેની યાત્રા, ઉદ્દેશ્યપૃર્ણ જીવન કેમ જીવવું? ભાવનાત્મક સંતુલન, નિવૃત્તિમાં કેમ જીવવું?, જીવનમાં કોને વધુ પ્રાથમિકતા આપશો અને આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયા. સમણજીએ કહ્યું હતું કે ભાવનાત્મક સંતુલન માટે ધ્યાન, ડાયરી લેખન, સમજણનો વિકાસ, આત્મનિરીક્ષણ અને પોતનાનું નિરંતર ચેકીંગ કરતા રહેવું જરૂરી છે. મનથી પરેની યાત્રામાં સમણશ્રીએ કહ્યું હતું કે, મન અંતઃકરણનો માત્ર એક ભાગ છે. એ સિવાય અન્ય ત્રણ અંતઃકરણના અંગો છે - અહંકાર, બુદ્ધિ અને ચિત્ત. સંકલ્પ - વિકલ્પ એ મન કરે છે. અહંકાર એ એક ઓળખ ઉભી કરી એના માટે જીવ મરવા -મારવા તૈયાર થાય છે. બુદ્ધિ એ સંગ્રહ અને નિર્ણય કરે છે અને ચિત્ત એ દ્રષ્ટા બની વિશુદ્ધ રીતે હોવાનું કામ કરે છે. કાર્યક્રમ અવનિ ને મુકેશ શાહના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો. 

સમણશ્રી અહીંથી 15 જૂનના લાસ વેગાસ પહોંચ્યા હતા અને અહીં તેમને ત્રણ દિવસ સુધી જીવનના પ્રયોગાત્મક વિષયો - ક્રોધ અને બોધ, તનાવ મુક્ત જીવન પદ્ધતિ, અને જીવનનું વિજ્ઞાન પર પ્રવચનો અહીંના હિન્દુ જૈન મંદિરમાં આપ્યા હતા. એમને કહ્યું હતું કે તનાવ દૂર કરવા માટે પરિસ્થિતિઓને બદલવા કરતા તન-મન અને ઉર્જા તંત્રોને સંતુલિત અને સમૃદ્ધ કરવામાં આવે તો એ બહારની દરેક સ્થિતિમાં તાલમેળ બેસાડીને પ્રસન્નતા બક્ષે છે. તનાવ મુક્તિ માટે ઉમ્ર વધવાની સાથે જવાબદારીઓ ઘટાડવી જોઈએ અને એના માટે લાલસાઓને નિયંત્રણમાં મૂકવી જોઈશે.એમને ધ્યાન યોગના પ્રયોગો પણ કરાવ્યા હતા. કાર્યક્રમમાં જલદીપ અને નીતાબેન દૌલતનો નિષ્ઠા પૂર્વકનો સહયોગ રહ્યો હતો.

 

(12:05 pm IST)