Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જાપાન : ૬-૧ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપ , ૩ના મોત થયા

પ્રચંડ ધરતીકંપમાં અનેક લોકો ઘાયલ થઇ ગયાઃ ભૂકંપ બાદ સમગ્ર ટોકિયા શહેરમાં ટ્રેન સેવા રોકી દેવાઇ

ટોકિયો,તા. ૧૮: જાપાનના પશ્ચિમી શહેર ઓસાકામાં આવેલા પ્રચંડ ધરતીકંપમાં ભારે નુકસાન થયુ છે. ધરતીકંપના કારણે નવ વર્ષીય માસુમ બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઓસાકા શહેરમાં પ્રચંડ આચકા બાદ ટ્રેન સેવાને રોકી દેવામાં આવી હતી. જાપાનના પાટનગર ટોકિયમાં પણ ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૧ જેટલી આંકવામાં આવી છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં છે. જેથી મોતનો આંકડો વધી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ધરતીકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયુ છે. કેટલીક જગ્યાએ દિવાલો તુટી પડી છે. કેટલીક ઇમારતોમાં આગ પણ લાગી ગઇ હતી. સમાચાર સંસ્થાના કહેવા મુજબ ઓસાકાના ઉત્તરમાં સ્થિત સ્વીમીગ પુલ સંકુળમાં દિવાળ ધરાશાયી થતા બાળકીનુ મોત થયુ હતુ. જાપાન વિશ્વમાં સૌથી વધારે ધરતીકંપ પ્રભાવિત ક્ષેત્ર તરીકે છે. વારંવાર ત્યાં ધરતીકંપના આંચકા આવતા રહે છે. નવેસરના આંચકા બાદ સુનામી માટે કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી છે.

(1:19 pm IST)