Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દુબઇ માટે બે દિવસના ટ્રાન્ઝિટ વિઝા ફ્રી!

ટૂંક સમયમાં મળશે સુવિધા

નવી દિલ્હી તા. ૧૮ : સંયુકત આરબ અમીરાતના રસ્તે ભારતથી દુનિયાના કોઈપણ ભાગમાં મુસાફરી કરનાર યાત્રીઓને ટૂંક સમયમાં જ ફ્રી ટ્રાન્ઝિટ વિઝાની સુવિધા મળવાની છે. આ સુવિધા દુબઈ અને અબુધાબી જેવા મોટા શહેરો માટે હશે.

આ વિઝા હેઠળ મુસાફરો બે દિવસ સુધી ત્યાં રોકાઈ શકે છે. UAE સરકારે પહેલા ૪૮ કલાક માટે ટ્રાન્ઝિટ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. જેને ૫૦ દિરહમ એટલે કે ૯૩૦ રુપિયા આપીને ૯૬ કલાક પણ કરી શકાય છે. આ નિયમ લાગુ કરવાની તારીખની હજુ ઘોષણા કરવામાં આવી નથી.

UAE પહેલાથી જ ભારતીય મુસાફરોનું સૌથી મોટું ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન છે. ભારત અને યુએઈ વચ્ચે યાત્રીઓ મુસાફરી માટે મોટાભાગે ત્રણ મોટી એરલાઈન્સનો ઉપયોગ કરે છે. જેટએરવેઝમાં પણ એતિહાદના ૨૪ ટકા શેર છે અને અબુધાબીની ફલાઈટ્સ માટે ફીડરનું કામ કરે છે. અત્યાર સુધીમાં ભારતથી દુનિયાના અલગ-અલગ ભાગમાં જતાં લોકોમાં ૭૫ ટકા તો અખાતી દેશો અને UAE થઈને જ પસાર થતાં હતાં.

આ નિર્ણય પછી અહિથી પસાર થતાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ભારતના મુસાફરો તે તારીખની રાહ જોઈ રહ્યાં છે. જયારે આ નિર્ણય લાગુ થશે. ભારતથી આંતરરાષ્ટ્રીય ઉડાન માટે જેટ-એતિહાદ સૌથી મોટી એરલાઈન છે. દુબઈ ટૂરિઝમના આંકડાઓ અનુસાર ૨૦૧૭માં લગભગ ૨૧ લાખ પર્યટકો દુબઈ ગયાં હતાં. આ આંકડો ૨૦૧૬ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે.(૨૧.૬)

(9:59 am IST)