Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વોડાફોન અને આઈડિયાના મર્જરને કાલે મંજુરી મળશે

દૂર સંચાર વિભાગ ઘણી બધી ખાતરી પણ લેશે : મર્જર થયા બાદ નવી કંપનીની સંયુક્ત આવક ૨૩ અબજ ડોલર થશે અને ગ્રાહકોની સંખ્યા ૪૩ કરોડ સુધી પહોંચશે

નવી દિલ્હી,તા. ૧૭ : કોર્પોરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરની મર્જર યોજનાને દૂરસંચાર વિભાગની મંજુરી આવતીકાલે મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મર્જર બાદ કંપનીનું નામ વોડાફોન આઈડિયા લિમિટેડ થશે અને વર્તમાન ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ આ દેશની સૌથી મોટી મોબાઇલ દૂરસંચાર સેવા બની જશે. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ વોડાફોન-આઈડિયાના મર્જરને દૂરસંચાર વિભાગની આવતીકાલે મંજુરી મળી શકે છે. બંને કંપનીઓના મર્જર બાદ આજની દ્રષ્ટિએ હિસાબ કરવામાં આવે તો નવી કંપનીની સંયુક્ત આવક ૨૩ અબજ ડોલર અથવા તો ૧.૫ લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ જશે. તેના ગ્રાહકોનું નેટવર્ક ૪૩ કરોડ થઇ જશે. આવી જ રીતે તે દેશની સૌથી મોટી કંપની બની જશે. આ વધી ગયેલી તાકાતના પરિણામ સ્વરુપે બંને કંપનીઓને બજાર સ્પર્ધાથી સામનો કરવામાં મદદ મળશે. નવી કંપની રિલાયન્સ જીઓની એન્ટ્રી બાદ ટેલિકોમ બજાર આકર્ષક પેકેજ આપીને ગ્રાહકોને તોડવાની જોરદાર સ્પર્ધામાંથી પસાર થઇ રહ્યું છે. આના પરિણામ સ્વરુપે મોબાઇલ ઇન્ટરનેટ અને કોલ સેવાઓના દર ખુબ ઓછા થઇ ગયા છે. મર્જર થયા બાદ બંને કંપનીઓ ઉપર આ સમયે દેવાનું સંયુક્ત ૧.૧૫ લાખ કરોડ રૂપિયા રહેશે. મર્જર યોજનાને મંજુરી માટે આદિત્ય બિરલા ગ્રુપની કંપની આઈડિયા સેલ્યુલર પાસેથી બેંક ગેરંટી લેવામાં આવશે. આ ઉપરાંત કંપનીને એવો વિશ્વાસ પણ આપવો પડશે કે બ્રિટનના વોડાફોન ગ્રુપની કંપની વોડાફોન ઇન્ડિયા ઉપર કોઇ દેવું નિકળે છે તો તેની જવાબદારી આઇડિયાને પૂર્ણ કરવી પડશે. દૂરસંચાર વિભાગ આઈડિયા સેલ્યુલરના સ્પેક્ટ્રમના ચાર્જ માટે ૨૧૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરન્ટી માંગી શકે છે. આ ઉપરાત તેને એવો વિશ્વાસ પણ અપાવવો પડશે કે તે કોર્ટના આદેશ મુજબ સ્પેક્ટ્રમ સંબંધિત તમામ બાકી રકમોનો ઉકેલ લાવશે. સ્પેક્ટ્રમ ચાર્જ ટુકડેટુકડામાં ચુકવવા માટે વોડાપોન ઇન્ડિયાની એક વર્ષની બેંક ગેરંટીની જવાબદારી પણ આઈડિયાને લેવી પડશે. સુત્રોના કહેવા મુજબ દૂરસંચાર વિભાગ બંને કંપનીઓથી એવું વચન પણ લેશે કે કોર્ટમાં પેન્ડિંગ રહેલા મામલાથી ઉભી થયેલી કોઇપણ સ્થિતિ અથવા તો દેવાની ચુકવણી કરવામાં આવશે. મર્જર બાદ નવી કંપનીમાં વોડાફોનની હિસ્સેદારી ૪૫.૧ ટકા અને કુમાર મંગલમ બિરલાના નેતૃત્વમાં આદિત્ય બિરલા ગ્રુપની હિસ્સેદારી ૨૬ ટકા તેમજ આઈડિયાના શેર ધારકોની હિસ્સેદારી ૨૮.૯ ટકા રહેશે. પ્રસ્તાવ મુજબ કુમાર મંગલમ બિરલા નવી કંપનીના બિનકાર્યકારી ચેરમેન તરીકે રહેશ જ્યારે બાલેશ શર્માને કંપનીના મુખ્ય કારોબારી અધિકારી બનાવવામાં આવી શકે છે.

(12:00 am IST)