Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જમ્મુ કાશ્મીર : યુદ્ધવિરામ નહીં લંબાવવા આખરે નિર્ણય કરાયો

ત્રાસવાદીઓ સામે તુટી પડવા સેનાને રાજનાથસિંહનો સ્પષ્ટ આદેશ : રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આતંકવાદી હુમલા અને સરહદ ઉપર ગોળીબારની ઘટના વધ્યા બાદ દેશભરના લોકોના આક્રોશ વચ્ચે કઠોર નિર્ણય

નવીદિલ્હી,તા. ૧૭ : જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં વધી ગયેલી આતંકવાદી હિંસા અને પથ્થરબાજીની ઘટના બાદ લોકોના આક્રોશ વચ્ચે યુદ્ધવિરામની અવધિને નહીં લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સેનાને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા છુટો દોર આપી દીધો છે. આના લીધે હવે સેના ત્રાસવાદીઓ સામે પહેલાની જેમ આક્રમક કાર્યવાહી કરશે. ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કાશ્મીરમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ આ ગાળા દરમિયાન કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની સંખ્યામાં જંગી વધારો થયો હતો. ત્રાસવાદીઓએ સેનાને ટાર્ગેટ બનાવીને અનેક હુમલા કર્યા હતા. હાલના દિવસોમાં જ રાઇઝિંગ કાશ્મીરના એડિટર સુજાત બુખારીની હત્યા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જ કેન્દ્ર સરકારના આ નિર્ણયની વ્યાપક ટિકા થઇ રહી હતી. ઇદ બાદ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં યુદ્ધવિરામને નહીં લંબાવવાનો આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે આ અંગેનો નિર્ણય કર્યો હતો. રાજનાથે કહ્યું હતું કે, રમઝાન દરમિયાન યુદ્ધવિરામના નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ શાંતિપૂર્ણરીતે રમઝાન મનાવવા માટે સુરક્ષા દળોને સરકારના નિર્ણય અમલી કરવામાં સફળતા મેળવી હતી. રાજનાથસિંહનું કહેવું છે કે, જમ્મુ કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશના લોકોએ આ નિર્ણયની પ્રશંસા કરી હતી. સામાન્ય લોકો માટે આ નિર્ણયથી રાહત થઇ હતી. એવી આશા હતી કે, દરેક વ્યક્તિ આ પહેલની સફળતાની ખાતરી કરશે. સુરક્ષા દળોએ આ અવધિના ગાળા દરમિયાન સંયમપૂર્વકની કાર્યવાહી કરી હતી જ્યારે ત્રાસવાદીઓએ હુમલા જારી રાખ્યા હતા. આના લીધે મોત અને ઘાયલોની સંખ્યા વધી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, હવે યુદ્ધવિરામના ગાળાને લંબાવવામાં આવી રહ્યો નથી જેથી સેના ત્રાસવાદીઓ સામે પોતાની રીતે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. હુમલા, હિંસા અને હત્યાઓને રોકવા માટે સેના પોતાનીરીતે કાર્યવાહી કરી શકે છે. ભારત સરકાર હિંસા અને આતંકવાદ મુક્ત જમ્મુ કાશ્મીરના લક્ષ્યાંક ઉપર કટિબદ્ધ છે. યુદ્ધવિરામના ગાળા દરમિયાન પાકિસ્તાને તેની નાપાક હરકતો સરહદ ઉપર જારી રાખી હતી. યુદ્ધવિરામનો ભંગ કરીને વારંવાર ગોળીબાર કર્યો છે. બીજી બાજુ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર હુમલાની ઘટનાઓ વધી હતી. ગઇકાલે સરહદ ઉપર ગોળીબારમાં નવસેરા સેકટરમાં ભારતીય જવાન શહીદ થયા હતા. બીજી બાજુ અરણીયા સેકટરમાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગે ઈદના પ્રસંગે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી હતી. બીએસએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ કરીે ગોળીબારનો સીલસીલો જારી રહ્યો છે. અટારી અને વાઘા સરહદ ઉપર હાલના ગોળીબારની અસર જોવા મળી હતી. બીએસએફના જવાનો અને પાકિસ્તાની જવાનો વચ્ચે મીઠાઈઓની આપ-લે કરવામાં આવી ન હતી.  અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પગલા લેવાઈ રહ્યા છે. એવા અહેવાલ મળ્યા છે કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવાના હેતુથી ત્રાસવાદીઓ શ્રદ્ધાળુઓ અને સુરક્ષા દળો ઉપર બોંબથી હુમલા કરી શકે છે. રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રણ ડઝનથી વધુ લોકોને ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી ચુક્યા છે.  શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩  સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે . સરહદે  પાકિસ્તાને નાપાક હરકત જારી રાખી છે.

(12:00 am IST)