Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બંગાળમાં રહે છે તેમણે બંગાળની ધરતી અને સંસ્કૃતિને પ્રેમ કરવો પડશે : મમતા બેનરજી

મોટર સાઇકલ ઉપર ધુમતા ગુનેહગારોને સાંખી નહિ લેવાયઃ બંગાળી બોલવી પડશેઃ પ. બંગાળના મુખ્યમંત્રી કાળઝાળ

કોલકતા, તા.૧પઃ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ શુક્રવારે ભારપૂર્વક કહ્યું હતું કે પ.બંગાળમાં રહેતા તમામ લોકોને બંગાળી ભાષા બોલતા આવડવી જોઈએ અને જેમને ન આવડતી હોય તેમણે બંગાળી બોલતાં શીખવું જોઈએ. બહારના લોકોએ રાજયમાં ડોકટરોના આંદોલનને ઉશ્કેર્યું  હોવાનું જણાવી તેમણે ભાજપ પર બંગાળીઓ અને લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ મૂકયો હતો. બહારના લોકો ડોકટરોને ઉશ્કેરી રહ્યા છે અને એ વાત સાચી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ગુરુવારના વિરોધ પ્રદર્શનમાં એ લોકો જ સંડોવાયેલા હતા. બહારના લોકોને એસએસકેએમ હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર કરતા મેં જોયાં હતાં, એમ તેમણે એક સભાને સંબોધન કરતા કહ્યું હતું. તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી માટે બેલેટ પેપરની પ્રથા ફરી શરૂ કરવી જોઈએ.

દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બિનબંગાળીઓ પ્રત્યે પોતાનું વલણ કડક કર્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ શુક્રવારે તેમણે નિવેદન આપ્યું છે કે બંગાળમાં રહેવુ હોય તો બંગાળી બોલવું પડશે

તૃણમુલ કોંગ્રેસની સભામાં મમતા બેનરજીએ કહયું જયારે હું બિહાર, યુ.પી. પંજાબમાં જાઉં છુ ત્યારે તેમની ભાષા બોલુ છું જો તમે બંગાળમાં છો તો તમારે બંગાળી બોલવી પડશે. મોટરસાઇકલ પર ફરતા ગુનેગારોને હું બંગાળમાં સાંખી નહિ લઉં.

તેમણે બરાકપોરના સાંસદનું નામ લીધા વગર કહયું કે તેઓ હિંદીભાષી લોકો તરફ પક્ષપાત ધરાવે છે. સાથે જ તેમણે કહયું મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી બિહારીઓને હાંકી કઢાયા છે. આપણે  એવુ નથી કર્યું. પરંતુ તમે બિહારમાંથી બિહારીને ઉત્તર પ્રદેશ અને બંગાળમાંથી તેમના સ્થાનીકોને હાંકી શકો નહિ. જે અહિ રહે છે તેમને બંગાળી ધરતી અને સંસ્કૃતિને પ્રેમ કરવો પડશે.

ઈવીએમ સાથે ચેડાં કરીને ભાજપે થોડી બેઠક પર જીત મેળવી લીધી એનો મતલબ એ નથી કે તેઓ બંગાળીઓ અને લદ્યુમતીઓ સાથે મારપીટ કરી શકે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે એ સહન નહીં કરી લઈએ.

અસામાજિક તત્ત્વો વિરુદ્ઘ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જે કોઈ બંગાળમાં રહે છે તેમણે બંગાળી બોલતાં  શીખવું  પડશે.

(3:52 pm IST)