Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આંધ્રપ્રદેશના એરપોર્ટ પર ચંદ્રબાબુ નાયડુનું કરાયુ ચેકિંગ, કાફલાને પણ રોકવામાં આવ્યો

ટીડીપી લાલધૂમ :અધિકારીનું વલણ અપમાનજનક : કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે નાયડુની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી

આંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ હતું  ચંદ્રબાબુ નાયડુને વિમાન સુધી જવા માટે વીઆઈપી સુવિધાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા અને પૂર્વ સીએમને સામાન્ય નાગરિકો સાથે બસમાં પ્રવાસ કરવો પડ્યો. એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને કથિત રીતે વિમાન સુધી જવા માટે તેમના કાફલાને અનુમતિ આપવામાં આવી નહિ.

   એક સુરક્ષા ગાર્ડ પૂર્વ સીએમ નાયડુનું ચેકિંગ કરતો જોવા મળ્યો. ટીડીપી પ્રમુખને વીઆઈપી વાહનમાં વિમાન સુધી જવાની અનુમતિ આપવામાં આવી નહિ. વળી, પૂર્વ સીએમના એરપોર્ટ પર ચેકિંગ બાદ ટીડીપી તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે.

   રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ટીડીપી નેતા ચિન્ના રાજપ્પાએ કહ્યુ કે અધિકારીનું વલણ અપમાનજનક જ નહિ પરંતુ તેમણે ચંદ્રબાબુ નાયડુની સુરક્ષા સાથે પણ સમજૂતી કરી કારણકે તેમને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી છે. તેમણે કહ્ય કે પહેલા ક્યારેય નાયડુને આ રીતની સ્થિતિનો સામનો કરવો નથી પડ્યો. ચિન્નાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે નાયડુની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી.

(1:51 pm IST)